
ખાડામાંથી બહાર આવેલ ખાનગી ક્ષેત્રની યસ બેંકે એસ્સેલ ગ્રુપની કંપની ઝી લર્ન સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરી છે. બેંકનો આરોપ છે કે ઝી લર્ન પાસેથી 468 કરોડ રૂપિયા લેવાના બાકી છે. ઝી લર્ને 25 એપ્રિલે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં નાદારી પ્રક્રિયાની વાત સ્વીકારી હતી.

ફાઈલિંગમાં ઝી લર્ને જણાવ્યું કે અમે યસ બેંકના દાવા કેટલા આધારભૂત અને સાચા છે તેની ખરાઈ કરી રહી છે. યસ બેંકે એસ્સેલ સમૂહની કંપની સામે ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ, 2016ની કલમ 7 હેઠળ નાદારીની અરજી દાખલ કરી છે. યસ બેંકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચમાં આ અરજી દાખલ કરી હતી. યસ બેંકની અરજી પર એનસીએલટીની મુંબઈ બ્રાંચે Zee Learnને નોટિસ મોકલી છે. કંપનીએ કહ્યું કે તે આ મામલે યસ બેંકના દાવાની તપાસ કરી રહી છે. કંપનીને 25 એપ્રિલે નોટિસ મળી છે.
નાદારી પ્રક્રિયા માટેની અરજી દાખલ થતા મંગળવારે ઝી લર્નના શેરમાં મસમોટો કડાકો જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે ઝી લર્નનો શેર 20%ના કડાકે રૂ. 11.20 સુધી ગગડ્યો હતો. ઝી લર્ન એસ્સેલ ગ્રુપનો એક ભાગ છે. કંપની ભારતમાં એજ્યુકેશન સેગમેન્ટમાં કાર્યરત છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં સુભાષ ચંદ્રા સમૂહની કંપનીને રૂ. 4.91 કરોડની ખોટ થઈ હતી.