વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે. કાર્બી આંગલોંગના દિફુ ખાતે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આપણે આ ધરતીના મહાન સપૂત લચિત બોરફુકાનની 400મી જન્મજયંતી પણ ઉજવી રહ્યા છીએ. તેમનું જીવન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે. કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને હું નમન કરૂં છું. પોતાના સંબોધન પહેલા તેમણે સુરક્ષા ઘેરો તોડીને ત્યાં ઉપસ્થિત લોકો અને બાળકો સાથે હાથ પણ મિલાવ્યો હતો.

વડાપ્રધાને આગળ જણાવ્યું કે, ડબલ એન્જિનની સરકાર જ્યાં પણ હોય ત્યાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયત્ન આ ભાવનાથી કામ કરે છે. આજે કાર્બી આંગલોંગની આ ધરતી પર આ સંકલ્પ ફરી સશક્ત બન્યો છે. આસામની સ્થાયી શાંતિ અને તેજ વિકાસ માટે જે સમજૂતીઓ થઈ હતી તેને જમીન પર ઉતારવાનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. આજે આસામમાં 2,600થી પણ વધારે અમૃત સરોવર બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે. સરોવરોનું નિર્માણ સંપૂર્ણપણે જનભાગીદારી પર આધારિત છે. જનજાતીય સમાજમાં આવા સરોવરોની એક સમૃદ્ધ પરંપરા રહી છે. તેનાથી ગામોમાં પાણીના ભંડાર તો બનશે જ, સાથે-સાથે તે કમાણીના સ્ત્રોત પણ બનશે.