ગુજરાત યુનિવર્સિટીમાં MSWના સહાધાપિકા ડો રંજન ગોહિલે ગેરરીતિ પૂર્વક ડિગ્રી અને નોકરી મેળવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં ફરિયાદી ચિરાગ કલાલને ડો રંજન ગોહિલ દ્વારા માર મારવામાં આવ્યો હતો. હાલમાં ફરિયાદીને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ડો રંજન ગોહિલને સિન્ડિકેટ દ્વારા પ્રવેશ બંધી કરવામાં આવી હતી. તેમણે પ્રવેશબંધી હોવા છતાં યુનિવર્સિટીમાં ઘુસીને ફરિયાદીને માર માર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગના કોર્ડીંનેટર ડૉ. વિપુલ પટેલ ફરિયાદ કરવા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. વિભાગમાં મારામારી થઈ તે મામલે અધ્યાપિકા રંજન ગોહિલ સામે ફરિયાદ નોંધાવશે. વિપુલ પટેલે કહ્યું હતું કે, ચિરાગ કલાલ માર્કશિટ અને પરીક્ષા માટે પુછપરછ કરવા માટે આવ્યો હતો. રંજન ગોહિલ યુનિવર્સિટીમાં તપાસ ચાલે ત્યાં સુધી પ્રવેશ બંધી છે તે છતાંય આવ્યાં હતાં. આ વિદ્યાર્થીને મારી સામેજ માર મારવામાં આવ્યો છે.
પ્રોફેસર રંજન ગોહિલે કહ્યું હતું કે, આજે MSW વિભાગમાં પ્રવેશ બંધીનો લેટર લેવા આવી હતી. વિપુલ પટેલને કો.ઓર્ડિનેટર બનાવ્યા તે મને ખબર જ નહોતી. વિપુલ પટેલ અને શદાબ કાઝી નામના પ્રોફેસરે મને મારવા ચિરાગ કલાલને બોલાવ્યો હતો.ચિરાગ કલાલે બિનજરૂરી આવીને મારો હાથ પકડીને છાતી પર હાથ મૂકી દીધો હતો. મારી છેડતી કરીને મને મારવામાં આવી છે.શદાબ કાઝી અને વિપુલ પટેલ કોઈ પણ મહિલા તેમના વિભાગમાં હોય તેવું ઇચ્છતા નથી. ગુજરાત યુનિવર્સિટીના એકેડમિક કાઉન્સિલ દ્વારા MSW વિભાગના સહ અધ્યાપિકાના પ્રવેશ પર પાબંધી લગાવી હતી.