અમરાવતીના નિર્દળીય સાંસદ નવનીત રાણાની ધરપકડ બાદ મુંબઈના ખાર પોલીસ સ્ટેશન ગયેલા ભાજપ નેતા કિરીટ સોમૈયાના શિવસૈનિકોએ વિરોધ કર્યો. સોમૈયાએ આરોપ લગાવ્યો કે પોલીસ સ્ટેશનથી બહાર નીકળતા સમયે શિવસેના કાર્યકર્તાઓએ તેમની કાર પર હુમલો કર્યો. તેમણે સોમૈયાની કાર પર બોટલ અને જૂતા ફેંક્યા. આનાથી તેમની કારનો કાચ તૂટી ગયો. સોમૈયાને ઈજા પણ પહોંચી. તેઓ પોતાની ક્ષતિગ્રસ્ત કારમાં જ બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એફઆઈઆર નોંધાવવાની માગ કરી. પોલીસે કેસ નોંધી લીધો છે. આ પહેલા કાલે મુંબઈમાં ભાજપના નેતા મોહિત કામ્બોજની કાર પર પણ હુમલો કરીને તેને ક્ષતિગ્રસ્ત કરી દીધા હતા.

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા શનિવારે રાતે મુંબઈમાં ખાર પોલીસ સ્ટેશનથી પાછા ફર્યા હતા. આ દરમિયાન તેમની એસયુવી પર શિવસેના કાર્યકર્તાઓએ જૂતા અને પાણીની બોટલ ફેંકી. સોમૈયા નિર્દળીય સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મળવા પોલીસ સ્ટેશન ગયા હતા. ભાજપ નેતાએ ટ્વીટ કરી જાણકારી આપી કે શિવસેનાના ગુંડા દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેઓ ઈજાગ્રસ્ત થયા છે. સોમૈયાએ આ ઘટનાને લઈને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સોમૈયાએ એક ટ્વીટમાં કહ્યુ, હુ હેરાન છુ, ખાર પોલીસ સ્ટેશનના પરિસરમાં, 50 પોલીસકર્મીઓની હાજરીમાં શિવસેનાના 100 ગુંડાએ મારી પર પથ્થર ફેંક્યા, તેઓ મને મારવા ઈચ્છતા હતા. પોલીસ કમિશ્નર શુ કરી રહ્યા છે? આટલા બધા શિવસેનાના માફિયા ગુંડા પોલીસ સ્ટેશનમાં એકઠા કેવી રીતે થયા? મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલએ કિરીટ સોમૈયા પર થયેલા હુમલાનો વિરોધ કર્યો. તેમણે કહ્યુ કે હવે ભાજપ શાંત બેસશે નહીં. ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં કાનૂન વ્યવસ્થા પૂરી રીતે ચોપટ થઈ ગઈ છે. ગુંડાઓએ પોલીસની હાજરીમાં ભાજપ નેતા પર હુમલો કર્યો. આ અસ્વીકાર્ય છે. અમે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છીએ.