લખીમપુર ખીરી કાંડના મુખ્ય આરોપીની નાસતા ફરવાની એક પણ કારી ફાવી નથી. આખરે તેણે કાયદાના દાયરામાં આવવું જ પડ્યું છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડી નાખવાના મામલે હત્યારોપી મંત્રી પુત્ર આશિષ મિશ્રાએ લખીમપુરની નીચલી કોર્ટમાં આત્મસમર્પણ કરી લીધું છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે તેના હાઇકોર્ટના જામીન રદ કરીને એક સપ્તાહમાં સરેન્ડર કરવા જણાવ્યું હતું. સુપ્રીમની એક અઠવાડિયાની મુદત પૂરી થયા બાદ આખરે હત્યારોપી મિશ્રાએ કોર્ટમાં પોતાની જાતને સોંપી દીધી હતી.

આશિષ મિશ્રાને ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ફરી લખીમપુર ખેરી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ખેડૂત આંદોલન દરમિયાન લખીમપુર ખેરીમાં ખેડૂતોને કચડવાની ઘટના બની હતી. કેન્દ્રીય મંત્રીના પુત્રને હત્યા સહિતની અનેક ગંભીર કલમો હેઠળ નોંધાયેલા કેસ સાથે જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરી 2022માં જામીન આપ્યા હતા, જેના કારણે ઘણા સવાલો પણ ઉભા થયા હતા. સુપ્રીમ કોર્ટે જામીન રદ કરીને એક અઠવાડિયામાં સરેન્ડર કરી દેવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમની 1 અઠવાડિયાની મુદત પુરી થતા રવિવારે આશીષ મિશ્રાએ લખીમપુરની નીચલી કોર્ટમાં પોતાની જાતને સોંપી દીધી હતી અને હવે કોર્ટ તેને બીજી વાર જેલમાં મોકલશે.
સુપ્રીમ કોર્ટે 18 એપ્રિલે આશિષ મિશ્રાના જામીન રદ્દ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને રદીયો આપતા કહ્યું હતું કે, પીડિતોને દરેક સ્તરે સુનાવણી કરવાનો અધિકાર છે. આ કેસમાં પીડિતાને સુનાવણીના અધિકારથી વંચિત રાખવામાં આવી છે. હાઈકોર્ટે અનેક અપ્રસ્તુત તથ્યો અને ન જોઈ શકાય તેવા દાખલાઓને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે આશિષ મિશ્રાએ એક અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવું પડશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, હાઈકોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજી પર ફેરવિચારણા કરવી જોઈએ. પીડિતોના વકીલ દુષ્યંત દવેએ એવી દલીલ કરી હતી કે, આ વખતે બીજી બેન્ચ સમક્ષ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સુપ્રીમ કોર્ટે આદેશ આપવો જોઈએ. સીજેઆઈએ કહ્યું કે આવો આદેશ આપવો યોગ્ય રહેશે નહીં. અમને ખાતરી છે કે તે જ ન્યાયાધીશ આ મામલાની ફરીથી સુનાવણી કરવા માંગશે નહીં.