IPLમાં બુધવારે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં SRHના અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરી ગુજરાતના બોલર્સને મુશ્કેલીમાં મુકી દીધા હતા. આ દરમિયાન તેણે GTના રાશિદ ખાનને ધોઈ નાખ્યો હતો. એટલું જ નહીં 21 વર્ષીય ખેલાડીએ અન્ય બેટર સાથે સારી પાર્ટનરશિપ નોંધાવી SRHને મેચમાં પકડ મજબૂત બનાવવા ખાસ યોગદાન આપ્યું હતું.

સનરાઈઝર્સ હૈદરાબાદે બેક ટુ બેક વિકેટ ગુમાવ્યા પછી અભિષેક શર્માએ ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન તેણે માર્કરમ સાથે મળીને 61 બોલમાં 96 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. જેની સહાયથી ટીમનો સ્કોર 20 ઓવરમાં 195 રન સુધી પહોંચી શક્યો હતો. અભિષેક શર્માએ T20ના શાનદાર બોલર એવા રાશિદ ખાનની ઓવરમાં છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે બે છગ્ગા અને ચોગ્ગો મારી રાશિદને બેકફુટ પર ધકેલી દીધો હતો. વળી આ મેચમાં રાશિદ ખાને 4 ઓવરમાં 45 રન આપ્યા હતા અને એકપણ વિકેટ લઈ શક્યો નહોતો.

આ મેચમાં SRHના ઓપનર અભિષેક શર્માએ IPLમાં પોતાની બીજી ફિફ્ટી ફટકારી છે. આ 21 વર્ષીય યુવા ખેલાડીનું પ્રદર્શન ગુજરાત સામે વધુ આક્રમક જોવા મળી રહ્યું છે. અભિષેકે રાશિદની ઓવરમાં મિડવિકેટ પર સિક્સ ફટકારીને 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જોકે ત્યારપછી અલ્ઝારી જોસેફે તેને બોલ્ડ કર્યો હતો. અભિષેકે તોફાની બેટિંગ કરતા 42 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારી 65 રન કર્યા હતા.