IPL : લખનઉ સુપર જાયન્ટ્સે 6 રનથી દિલ્હી કેપિટલ્સને હરાવ્યું

Gujarat Fight

IPL 2022ની 45મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે કેપ્ટન રાહુલના ૫૧ બોલમાં ૭૭ અને હૂડાના ૩૪ બોલમાં ૫૨ રન બાદ મોહસીન ખાનની ૧૬ રનમાં ચાર વિકેટની મદદથી દિલ્હી કેપિટલ્સને છ રનથી હરાવ્યું હતુ. જીતવા માટેના ૧૯૬ના ટાર્ગેટ સામે દિલ્હી ૭ વિકેટે ૧૮૯ રન સુધી જ પહોંચી શક્યું હતુ. આખરી ઓવરમાં દિલ્હીને જીતવા ૨૧ રનની જરુર હતી. જોકે સ્ટોઈનીસે ત્રણ ડોટ બોલ નાંખતાં માત્ર ૧૪ રન જ આપતાં ટીમને યાદગાર જીત અપાવી હતી. આઇપીએલમાં આ સિઝનથી પ્રવેશ મેળવનારી લખનઉની ટીમે સતત ત્રીજી જીત સાથે ઓવરઓલ ૧૦મી મેચમાં સાતમી જીત હાંસલ કરી હતી. જ્યારે દિલ્હીની ટીમનો ૯મી મેચમાં પાંચમો પરાજય થયો હતો. મોહસીન પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

લખનઉના કેપ્ટન કે.એલ. રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. તેણે ૫૧ બોલમાં ૪ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૭૭ રન ફટકારતાં ટીમને જંગી સ્કોર તરફ અગ્રેસર કરી હતી. રાહુલ અને ડી કૉકે (૨૩) ૨૬ બોલમાં ૪૨ રન જોડયા હતા. જે પછી રાહુલ અને દીપક હૂડાએ ૬૧ બોલમાં ૯૫ રનની ભાગીદારી કરી હતી. હૂડાએ ૩૪ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૨ રન કર્યા હતા. શાર્દૂલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી.

જીતવા માટેના ૧૯૬ રનના વિશાળ પડકારનો પીછો કરવા ઉતરેલા દિલ્હી કેપિટલ્સે માત્ર ૧૩ રનમાં શૉ (૨) અને વોર્નર (૩)ની વિકેટ ગુમાવતા ટીમ હતાશ થઈ હતી. મિચેલ માર્શ (૨૦ બોલમાં ૩૭) અને પંત (૩૦ બોલમાં ૪૪)ની જોડીએ ૬૦ રન જોડયા હતા. ગોવ્મથે મિચેલને અને બિશ્નોઈએ લલિતને આઉટ કર્યા બાદ મોહસીને પંતને ક્લિન બોલ્ડ કર્યો હતો. તે ૩૦ બોલમાં ૪૪ રને આઉટ થયો હતો. પોવેલ (૨૧ બોલમાં ૩૫) અને અક્ષરે (૨૪ બોલમાં ૪૨*)ે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મોહસીને પોવેલ બાદ ઠાકુરને આઉટ કરતાં ટીમને જીતને આરે પહોંચાડી હતી. દિલ્હીને આખરી ઓવરમાં લખનઉ સામે જીતવા માટે ૨૧ રનની જરુર હતી. ત્યારે સ્ટોઈનીસના પહેલા બોલે કુલદીપ યાદવે સિક્સર ફટકારી હતી. જે પછી વાઈડ બોલ બાદ તેણે એક રન લીધો હતો. અક્ષર સ્ટ્રાઈક પર આવ્યો ત્યારે ૪ બોલમાં ૧૩ રન કરવાના હતા. જોકે સ્ટોઈનીસે સળંગ ત્રણ ડોટ બોલ નાંખતાં ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. અક્ષરે છેલ્લા બોલે સિક્સર ફટકારી હતી, પણ લખનઉ છ રનથી જીતી ગયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabargujarat.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabargujarat.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *