IPL : લખનઉ સુપર જાયન્ટ્સે 36 રનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું

Gujarat Fight

IPL 2022ની 37મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 36 રનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. આ દરમિયાન ઇન્ડિયન પ્રિમિયર લીગમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનનારી મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્તમાન સીઝન સારી રહી નથી. આઇપીએલની 15મી સીઝનમાંથી મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઇ ગઇ છે કારણ કે ટીમ આ સીઝનમાં સતત આઠ મેચ હારી ગઇ છે. આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પ્રથમ આઠ મેચમાં હારી ગઈ હોય. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 36 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

લખનઉના કેપ્ટન લોકેશ રાહુલના અણનમ 103 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી લખનઉએ મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું. મુંબઇ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 132 રન કરી શકી હતી. આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા ઘણો નારાજ થયો હતો. તેણે કહ્યું કે કોઈ પણ બેટ્સમેન જવાબદારી લેવા તૈયાર નથી.

મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે ‘અમે સારી બોલિંગ કરી અને તેમને ઓછા સ્કોર પર રોક્યા. પરંતુ અમે સારી બેટિંગ કરી શક્યા નહીં. અમે ભાગીદારી બનાવી ન શક્યા અને કેટલાક ખરાબ શોટ રમ્યા હતા, જેમાં હું પણ સામેલ હતો. તે માત્ર એક મેચ નહોતી, અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ કરી ન હતી. અમે જવાબદારીપૂર્વક રમ્યા નહોતા અને કોઈ પણ બેટ્સમેન અંત સુધી બેટિંગની જવાબદારી લેવા તૈયાર નહોતા. અમારી આ ટીમ નવી છે અને ખેલાડીઓની ભૂમિકા પણ અહીં નવી છે. અમે એક સારા ટીમ સંયોજન સાથે આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ અમારી તરફેણમાં ગઈ નહીં.

મેચની વાત કરીએ તો રાહુલે 62 બોલની ઈનિંગમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે વર્તમાન સિઝનમાં તેની બીજી સદી ફટકારી હતી. રાહુલે મેરેડિથ સામે છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને IPL કારકિર્દીની ચોથી સદી પૂરી કરી હતી. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડે બે ઓવરમાં માત્ર આઠ રન આપીને બે વિકેટ ઝડપી હતી. રિલે મેરેડિથને પણ બે સફળતા મળી હતી જ્યારે જસપ્રિત બુમરાહ અને ડેનિયલ સેમ્સને એક-એક વિકેટ મળી હતી.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *