મુંબઈ ઈન્ડિયન્સ સામે અણનમ સદીના કારણે ટીમને જીત તરફ લઈ જનાર કે.એલ. રાહુલ પર પ્રતિબંધનો ખતરો મંડરાઈ રહ્યો છે. LSGએ મેચમાં 168 રન બનાવ્યા હતા, તો બીજી તરફ મુંબઈ માત્ર 132 રનના સ્કોર પર જ સિમિત રહી ગયું હતું અને લખનઉએ 36 રને મેચ જીતી હતી.

આ શાનદાર જીત બાદ પણ IPL ગવર્નિગ કાઉન્સિલે લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ દંડની જાહેરાત કરી છે. આ દંડ સ્લો ઓવર રેટના કારણે ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન કે.એલ.રાહુલ પર 24 લાખ રુપિયા, જ્યારે ટીમના અન્ય પ્લેયર પર 6 લાખ અથવા મેચ ફીના 25% (બંનેમાંથી જે પણ ઓછું હોય) દંડ ફટકારવામાં આવ્યો છે.
સીઝનમાં આ બીજી વખત બન્યું છે જ્યારે કે.એલ.રાહુલની કેપ્ટનશીપમાં લખનઉ પર સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારાયો હોય. રસપ્રદ વાત એ છે કે પહેલીવાર 16 એપ્રિલે મુંબઈ સામેની મેચમાં લખનઉએ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરી અને કેપ્ટનની સાથે આખી ટીમે દંડ ભર્યો હતો. તે મેચમાં પણ કેએલ રાહુલે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.
જો લખનઉની ટીમ ત્રીજી વખત સ્લો ઓવર રેટની ભૂલ કરશે તો તેના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન અને કેપ્ટન કેએલ રાહુલ પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવશે. નિયમો જણાવે છે કે જો કેપ્ટનને ધીમી ઓવર રેટના કારણે સિઝનમાં ત્રીજી વખત દંડ ફટકારવામાં આવે છે, તો તેને 30 લાખના દંડની સાથે એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડશે.