IPL : રાજસ્થાન રોયલ્સે 29 રને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું

Gujarat Fight

IPLમાં પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિમમાં રમાયેલા આઈપીએલ 2022ના 39માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 29 રને પરાજય આપ્યો છે. રાજસ્થાન રોયલ્સની જીતનો હીરો રિયાન પરાગ રહ્યો છે. પરાગે પહેલાં અણનમ 56 રન ફટકાર્યા અને પછી ફીલ્ડિંગમાં ચાર કેચ ઝડપ્યા હતા. રાજસ્થાનની આઠ મેચમાં આ છઠ્ઠી જીત છે અને તે 12 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે આરસીબીની ટીમ 9 મેચમાં 5 જીત સાથે ટેબલમાં પાંચમાં સ્થાને છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા રિયાન પરાગના અણનમ 56 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ પર 144 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 19.3 ઓવરમાં માત્ર 115 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસે ઈનિંગની શરૂઆત કરી, પરંતુ આરસીબીનો આ દાવ ચાલ્યો નહીં. વિરાટ કોહલી 9 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. કેપ્ટન ફાફ 23 રન બનાવી કુલદીપ સેનની બોલિંગમાં આઉટ થયો હતો. ત્યારબાદ મેક્સવેલ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. રજત પાટીદારને અશ્વિને 16 રન પર બોલ્ડ કર્યો જ્યારે પ્રભૂદેસાઈની વિકેટ પણ અશ્વિને ઝડપી હતી. દિનેશ કાર્તિક 6 રન બનાવી રનઆઉટ થયો હતો. હસરંગાએ 18 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ 5 રન બનાવી આઉટ થયો હતો. હર્ષલ પટેલ માત્ર 8 રન બનાવી શક્યો હતો. રાજસ્થાન તરફથી કુલદીપ સેને 20 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાનને પ્રથમ ઝટકો દેવદત્ત પડિક્કલના રૂપમાં લાગ્યો હતો. પડિક્કલ 7 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ આર અશ્વિન 17 રન બનાવી સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. આ સીઝનમાં દમદાર પ્રદર્શન કરનાર જોસ બટલર માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. બટલરને હેઝલવુડે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કેપ્ટન સંજૂ સેમસને 27 રન બનાવ્યા હતા. તે હસરંગાનો શિકાર બન્યો હતો. ડેરિલ મિચેલ 16 રન બનાવી હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. બોલ્ટ 5 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. રિયાન પરાગે 31 બોલમાં 4 સિક્સ અને ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 56 રન બનાવી ટીમનો સ્કોર 140ને પાર પહોંચાડ્યો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *