IPL 2022ની 34મી મેચમાં બટલરની સિઝનની ત્રીજી સદી સાથેના ૯ ચોગ્ગા અને ૯ છગ્ગા સાથેના ૬૫ બોલમાં ૧૧૬ રનની મદદથી રાજસ્થાને બે વિકેટે ૨૨૨નો જંગી સ્કોર ખડકીને દિલ્હીને હરાવ્યું હતુ. બટલરની સાથે પડિક્કલ (૫૪) અને સેમસન (૪૬*) પણ આક્રમક બેટીંગનો પરચો દેખાડયો હતો. દિલ્હીના બોલરો નિઃસહાય લાગતા હતા. વિશાળ પડકારનો પીછો કરવા ઉતરેલ દિલ્હીએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને આખરે તેઓ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૭ રન નોંધાવી શક્યા હતા અને હારી ગયા હતા.
આખરી ઓવરમાં દિલ્હીને જીતવા માટે ૩૬ રનની જરુર હતી, ત્યારે રોવમાન પોવેલે મેકોયની બોલિંગમાં પ્રથમ ત્રણ બોલ પર છગ્ગા ફટકારતા રાજસ્થાનના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. જોકે મેકોયે ત્યાર બાદ ડોટ બોલ નાંખ્યો હતો અને તે પછી બે રન આપ્યા હતા. આખરી બોલ પર પોવેલ વિકેટની પાછળ કેચ આઉટ થતાં રાજસ્થાન ૧૫ રનથી જીત્યું હતુ. દિલ્હી તરફથી કેપ્ટન પંતે ૨૪ બોલમાં ૪૪ રન નોંધાવ્યા હતા. જ્યારે શૉ અને લલિતે ૩૭-૩૭ રન ફટકાર્યા હતા. અગાઉ રાજસ્થાનના વિસ્ફોટક બેટ્સમેન જોશ બટલરે ઝંઝાવાતી ફોર્મ આગળ ધપાવતા સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી.

બટલરની તોફાની ઈનિંગ અને પડિક્કલ (૩૫ બોલમાં ૫૪) સાથેની તેની ૯૧ બોલમાં ૧૫૫ રનની ભાગીદારીએ દિલ્હીના બોલરોને હતાશ કરી દીધા હતા. સેમસને પણ ૧૯ બોલમાં અણનમ ૪૬ રન ફટકારતાં રાજસ્થાને દિલ્હી સામે ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૨૨ રનનો જંગી સ્કોર ખડક્યો હતો. દિલ્હીના બોલરોનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો. પાંચ બોલરોએ ૧૦થી વધુની ઈકોનોમીથી રન આપ્યા હતા. કુલદીપે ૩ ઓવરમાં ૧૩.૩૩ની ઈકોનોમીથી ૪૦ અને ખલીલે ૪ ઓવરમાં ૧૧.૭૫ની ઈકોનોમીથી ૪૭ રનની લ્હાણી કરી હતી.
દિલ્હીના કેપ્ટન પંતે ટોસ જીતીને પ્રથમ રાજસ્થાનને બેટિંગમાં ઉતાર્યું હતુ. બટલર અને પડિક્કલે મક્કમ શરૃઆત કરી હતી. રાજસ્થએને પ્રથમ ૧૦ ઓવરમાં ૮૭ અને આખરી ૧૦ ઓવરમાં ૧૩૫ રન ફટકાર્યા હતા. બટલર અને પડિક્કલ વચ્ચેની ૧૫૫ રનની મેરેથોન ભાગીદારી બાદ બટલર અને સેમસને ૨૩ બોલમાં ૪૭ રન જોડયા હતા. ખલીલ અહમદે પડિક્કલને આઉટ કર્યો હતો. જ્યારે બટલરની પ્રાઈઝ વિકેટ રહમાને મેળવી હતી.