દુનિયાના સૌથી સફળ ટેસ્ટ બોલર મુથૈયા મુરલીધરન ગુજરાત વિરુદ્ધ સનરાઈઝર્સને મળેલી હાર બાદ ખૂબ જ ગુસ્સે જોવા મળ્યા હતા. છેલ્લી ઓવરમાં બોલિંગ કરી રહેલા માર્કો જેન્સન પાસે ડિફેન્ડ કરવા માટે 22 રન હતા છતાં તે નિષ્ફળ નીવડ્યો હતો. તેની આવી સામાન્ય બોલિંગ જોઈને મુરલીધરન ખૂબ જ ગુસ્સે થયા હતા અને પોતાની સીટ પર ઊભા થઈને બોલરને કંઈક બોલવા લાગ્યા. શરૂઆતની 2 મેચ હાર્યા બાદ સતત પાંચ મેચ જીતી ચૂકેલી સનરાઈઝર્સનો વિજય રથ ગુજરાતે રોક્યો. ગુજરાતના ટોપ ઓર્ડરની વિકેટ ઝડપી મળ્યા બાદ પણ હૈદરાબાદે હારનો સામનો કરવો પડ્યો.

મુરલીધરન હાલ હૈદરાબાદના બોલિંગ કોચ છે. સ્પિનર રાશિદ ખાનને પોતાના મહત્ત્વપૂર્ણ બોલર વિરુદ્ધ છગ્ગા ફટકારતાં જોઈ મુથૈયા પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યા. જેન્સેન હૈદરાબાદ માટે અત્યારસુધી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બોલર સાબિત થયો છે. રોયલ ચેલેન્જર્સ સામે રમાયેલી મેચમાં તેણે વિરાટ કોહલી જેવા બેટ્સમેનને ગોલ્ડન ડકે આઉટ કર્યો હતો. 6 ફૂટ ઊંચા જેન્સેનની સિમ, સ્વિંગ અને પેસ તેને બાકીના બોલરોથી અલગ પાડે છે. એટલા માટે વિલિયમ્સને તેના પર વિશ્વાસ કર્યો, પરંતુ આ વખતે જેન્સન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટના વિશ્વાસ પર ખરા ઊતરવામાં નિષ્ફળ ગયો.