મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન દરમિયાન ગ્રાઉન્ડ પર મધમાખીનું ઝુંડ ત્રાટક્યું હતું. જેના કારણે મેદાન પર જ કોચિંગ સ્ટાફથી લઈ મુંબઈના ખેલાડીઓ ઢળી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યારસુધી એકપણ મેચ જીતી શકી નથી. MIએ કુલ 6 મેચ રમી છે અને તમામમાં હારનો સામનો કર્યો છે. તેવામાં 21 એપ્રિલે ચેન્નઈ સામેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં પણ વિઘ્ન આવ્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જ્યારે પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે અચાનક મેદાન પરથી મધમાખીનું ઝૂંડ આવી ગયું હતું. તેવામાં દરેક પ્લેયર્સ પહેલા તો ગભરાઈ ગયા પછી સપોર્ટ સ્ટાફ અને અન્ય ખેલાડીને જમીન પર ઢળી પડવાની સૂચના આપી હતી. જેથી દરેક ખેલાડી ગ્રાઉન્ડમાં જ્યાં હતા ત્યાં ઉંઘી ગયા હતા. આનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં શેર કર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો ટીમ 6માંથી દરેક મેચ હારી જતા અત્યારે પોઈન્ટ ટેબલમાં છેલ્લા નંબર પર છે. તેવામાં આજે ગુરુવારે ચેન્નઈ સામેની મેચમાં રોહિતની ટીમ જીતથી પ્રારંભ કરે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 6માંથી 1 મેચ જ જીતી શક્યું છે, જ્યારે 5મા હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં આજની મેચમાં ચેન્નઈ જીતની લય મેળવવા તો મુંબઈ આ સિઝનની પહેલી જીત મેળવવા મેદાનમાં ઉતરશે.