IPL 2022ની 32મી મેચમાં કોરોનાથી પરેશાન દિલ્હીએ બોલરોના શિસ્તબદ્ધ દેખાવ બાદ વોર્નરના ૩૦ બોલમાં અણનમ ૬૦ રનની મદદથી પંજાબ કિંગ્સ સામે ૯.૩ ઓવર બાકી હતી, ત્યારે નવ વિકેટથી જીત હાંસલ કરી હતી. અક્ષર પટેલે ૧૦ અને લલિત યાદવે ૧૧ રનમાં બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે વોર્નરે ૩૦ બોલમાં અણનમ ૬૦ રન ફટકારતાં ટીમને જીત અપાવી હતી.

દિલ્હીએ માત્ર ૧૦.૩ ઓવરમાં જ એક વિકેટે ૧૧૯ રન કરતાં મેચ જીતી લીધી હતી. આ સાથે દિલ્હીએ છઠ્ઠી મેચમાં ત્રીજી જીત હાંસલ કરી હતી. જ્યારે પંજાબ ૭મી મેચ રમતાં ચોથી મેચ હાર્યું હતુ. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતે ટોસ જીતીને મયંક અગ્રવાલની ટીમને બેટિંગમાં ઉતારી હતી. અગ્રવાલે આક્રમક ૨૪ રન ફટકાર્યા હતા. જોકે સામેના છેડેથી વિકેટ પતનનો સિલસિલો જારી રહ્યો હતો. ધવન અને બેરસ્ટો ૯-૯ રન કરીને આઉટ થયા હતા. મીડલ ઓર્ડરમાં જીતેશ શર્માએ સૌથી વધુ ૩૨ રન ૨૩ બોલમાં નોંધાવ્યા હતા. જ્યારે શાહરૃખ ખાનના ૧૨ રન હતા. પંજાબની ઈનિંગમાં ચાર જ બેટ્સમેન ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યા હતા.
અક્ષર પટેલે ૧૦ રનમાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે લલિત યાદવે ૧૧ રનમાં બે વિકેટ મેળવી હતી. કુલદીપ અને ખલીલને ૨-૨ વિકેટ મળી હતી. જવાબમાં પૃથ્વી શૉ (૨૦ બોલમાં ૪૧) અને વોર્નર (૩૦ બોલમાં ૬૦)ની જોડીએ ૩૯ બોલમાં ૮૩ રન જોડયા હતા. આખરે વોર્નર અને સરફરાઝ (૧૨)ની જોડીએ દિલ્હીને જીતાડયું હતુ.