IPLમાં કોરોનાની એન્ટ્રી બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે બુધવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પુણેમાં રમાશે નહીં. હવે આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાશે, જ્યાં દિલ્હી કેપિટલ્સ ટીમને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. દિલ્હીના ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને સ્ટાફના ત્રણ સભ્યોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

BCCIના જણાવ્યા અનુસાર દિલ્હીના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ મંગળવારે સવારે લગભગ 9 વાગ્યે થયો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દરમિયાન, ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગવર્નિગ બોડીએ મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લીધો છે.
16 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ સામેની મેચ પહેલા કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં દિલ્હી ટીમના ફિઝિયો પેટ્રિક ફરાહર્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ સતત કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, સોમવારે દિલ્હીના ખેલાડી મિશેલ માર્શનો એન્ટિજેન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ સોમવારે જ તેનો બે વાર RTPCR ટેસ્ટ થયો હતો.