IPL 2022ની 46મી મેચમાં ગાયકવાડના ૯૯ અને કોન્વેના અણનમ ૮૫ રનની મદદથી ચેન્નાઈએ ૨૦૨/૨નો જંગી સ્કોર ખડકીને હૈદરાબાદને હરાવ્યું હતુ. જીતવા માટેના વિશાળ પડકારનો પીછો કરવામાં હૈદરાબાદે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. આખરે તેઓ ૨૦ ઓવરના અંતે ૬ વિકેટે ૧૮૯ રન સુધી પહોંચી શક્યા હતા. મુકેશ ચૌધરીએ ચાર વિકેટ ઝડપી હતી. આખરી ઓવરમાં હૈદરાબાદને જીતવા માટે ૩૮ રનની જરુર હતી. આ તબક્કે મુકેશ ચૌધરીની બોલિંગમાં પૂરણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે ૨૪ રન લીધા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો.

પૂરણના ૩૩ બોલમાં અણનમ ૬૪ રન હતા. અગાઉ હૈદરાબાદના કેપ્ટન વિલિયમસનને ૪૭ રન ફટકાર્યા હતા. જ્યારે અભિષેક શર્માના ૩૯ રન હતા. ધોનીએ ફરી ચેન્નાઈની કેપ્ટનસી સંભાળતા જ ટીમમાં નવું જોશ જોવા મળ્યું હતુ અને સુપર કિંગ્સે હૈદરાબાદ સામેની આઇપીએલ ટી-૨૦માં બે વિકેટે ૨૦૨ રન નોંધાવ્યા હતા. હૈદરાબાદનું બહુ ગાજેલું બોલિંગ આક્રમણ ચેન્નાઈ સામે ફ્લોપ સાબિત થયું હતુ. હૈદરાબાદના કેપ્ટન વિલિમસનને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગાયકવાડ અને કોન્વેની જોડીએ ઝંઝાવાત જગાવતા ૧૦૭ બોલમાં ૧૮૨ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. ગાયકવાડે ૩૩ બોલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. જ્યારે કોન્વેએ અડધી સદી પૂરી કરવા માટે ૩૯ બોલ લીધા હતા.
ગાયકવાડે ૬ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા હતા. જોકે તે એક રન માટે સદી ચૂક્યો હતો અને ૯૯ રને નટરાજનની બોલિંગમાં આઉટ થયો હતો. તેનો કેચ ભુવનેશ્વર કુમારે ઝડપ્યો હતો. જ્યારે કોન્વે ૮ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૫૫ બોલમાં ૮૫ રને અણનમ રહ્યો હતો. વન ડાઉન ઉતરેલો ધોની ૮ રને નટરાજનની બોલિંગમાં આઉટ થયો હતો. હૈદરાબાદના ઉમરાન મલિકે ૪ ઓવરમાં ૪૮ રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી નહતી. નટરાજને ૪૨ રનમાં બે વિકેટ મેળવી હતી. માર્કરામે પણ ૩ ઓવરમાં ૩૬ રન આપ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.