ગુજરાત ટાઈટન્સે જીતનો સિલસિલો જારી રાખતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ત્રણ બોલ બાકી હતા, ત્યારે છ વિકેટથી હરાવ્યું હતુ. પ્રદીપ સંગવાને શાનદાર દેખાવ કરતાં ૪ ઓવરમાં માત્ર ૧૯ રન આપીને બે વિકેટ ઝડપી હતી. કોહલીએ લાંબા ઈંતજાર બાદ અડધી સદી ફટકારી હતી, પણ તેણે ૫૩ બોલમાં ૫૮ રન નોંધાવ્યા હતા. રજત પાટિદારે પણ ૫૨ રન કરતાં બેંગ્લોર ૬ વિકેટે ૧૭૦ સુધી પહોંચી શક્યું હતુ. જવાબમાં રાહુલ તેવટિયાએ શાનદાર ફોર્મ જારી રાખતાં ૨૫ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૪૩ રન ફટકારતાં ટીમને જીતાડી હતી. તેની અને મીલર (૨૪ બોલમાં ૩૯*) વચ્ચે ૪૦ બોલમાં અણનમ ૭૯ રનની ભાગીદારી નોંધાઈ હતી.

જીતવા માટેના ૧૭૧ના ટાર્ગેેટ સામે ગુજરાતે ૧૯.૩ ઓવરમાં ચાર વિકેટે ૧૭૪ રન નોંધાવતા વિજય મેળવ્યો હતો. તેવટિયાએ વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. ગુજરાતે આ સાથે સિઝનની આઠમી જીત સાથે પ્લે ઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું હતુ. જ્યારે બેંગ્લોરનો ૧૦મી મેચમાં પાંચમો પરાજય થયો હતો. બેંગ્લોરના કેપ્ટન ડુ પ્લેસીસે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ આત્મવિશ્વાસ સાથે બેટીંગ કરતાં અડધી સદી ફટકારી હતી.

કોહલીની આઇપીએલની આ સિઝનની પ્રથમ અને છેલ્લી ૧૫ ઈનિંગમાં પહેલી અડધી સદી હતી. તેણે ૫૩ બોલમાં ૫૮ રન ફટકાર્યા હતા. જેમાં ૬ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતા. બેંગ્લોર અને ગુજરાતની મેચ દરમિયાન વિરાટની પત્ની અનુષ્કા શર્મા પણ મેદાન પર હતી. કોહલીની અડધી સદી પૂરી થતાં તે ઝુમી ઉઠી હતી. ડુ પ્લેસીસ ૦ પર આઉટ થયો હતો. જે પછી કોહલી અને રજત પાટિદાર (૩૨ બોલમાં ૫૨)ની જોડીએ ૯૯ રનની ભાગીદારી કરી હતી. જોકે ત્યાર બાદ બેંગ્લોર મોટી ભાગીદારી નોંધાવી શક્યું નહતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.