લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને મુંબઈમાં IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન આચાર સંહિતાના અનિશ્ચિત ભંગ બદલ તેની મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાહુલે IPL કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1 ગુનાને કબૂલ્યો છે. રાહુલની ટીમના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પણ તે જ મેચ દરમિયાન IPLની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે.

ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ બોલ્ડ આઉટ થયા બાદ જોરથી અપશબ્દો બોલ્યા હતા. જે સ્ટંમ્પ માઈકમાં રેકોર્ડ પણ થયા હતા. એની પહેલાના બોલ પર અમ્પાયરે વાઈડ બોલને વાઈડ જાહેર ના કરતા પણ તે અમ્પાયર પર રોષે ભરાયેલો જોવા મળ્યો હતો. જેથી તેને ઠપકો આપવામાં આવ્યો છે. કે.એલ.રાહુલને કેમ આ દંડ ફટકારાયો છે, તેની સ્પષ્ટતા હજી સુધી થઈ શકી નથી. આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા હોય છે.
IPL 2022ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું છે. લખનઉ સામે મેચ જીતવા 182 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 8 વિકેટના નુકસાને 163 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી. સ્ટોઈનિસે આ મેચમાં 15 બોલમાં 24 રન ફટકાર્યા હતા તેમજ રાહુલે 24 બોલમાં 30 રન બનાવ્યા હતા.