ગુજરાતમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણીઓ થવા જઈ રહી છે અને એવામાં અનેક વાર એવી અટકળો વહેતી થાય છે કે સરકાર વિધાનસભાને વહેલા ભંગ કરીને ચૂંટણી વહેલા કરાવી દેવાની તૈયારીમાં છે. જોકે ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંને દ્વારા આવી વાતોને રદિયો આપવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવે છે કે ચૂંટણી સમયસર જ થશે. એવામાં દિલ્હી CM અરવિંદ કેજરીવાલે ફરી મોટું નિવેદન આપીને એજ ચર્ચાને વેગ આપ્યો છે.

હિમાચલ પ્રદેશમાં એક સભાને સંબોધતા શનિવારે અરવિંદ કેજરીવાલે ધડાકો કરતાં કહ્યું કે હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંને જગ્યાએ વહેલા ચૂંટણી આવી રહી છે. કેજરીવાલે કહ્યું કે મને વાત મળી ગઈ છે, ઘણા લોકો કહી રહ્યા છે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વહેલા ચૂંટણી કરાવવામાં આવશે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીથી ડરી ગઈ છે, ભાજપની સરકાર લોકોથી ડરી ગઈ છે અને એટલે જ વહેલા ચૂંટણી કરાવવાની તૈયારી છે. તમે જૂન, જુલાઇ ઓગસ્ટ ગમે ત્યારે ચૂંટણી કરાવી લૉ આ વખતે આમ આદમીની સરકાર બનવા જઈ રહી છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા પંજાબ બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બેઠકો ખેંચવા માટે મહેનત કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતમાં કોંગ્રેસમાંથી મોટા મોટા નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટેની રણનીતિ પર કામ ચાલી રહ્યું છે. કેજરીવાલ પણ ભગવંત માનની સાથે અમદાવાદમાં રોડ શો કરી ચૂક્યા છે.