GUJRAT : આગામી ચાર દિવસ રાજ્યમાં હિટવેવની હવામાન વિભાગની આગાહી

Gujarat Fight

રાજ્યમાં ફરી એકવાર અંગ દઝાડતી ગરમી જોવા મળશે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી રહી શકે છે. શનિવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી અને 5 શહેરોમાં 41 ડિગ્રી પાર કરી ગયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 26.5 ડિગ્રી નોંધાયુ હતું. આગામી દિવસોમાં અમદાવાદમાં ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ, આગામી 28મી એપ્રિલ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં કો-મોર્બિડ લોકો, વૃદ્ધો તથા નાના બાળકોને તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે, તથા લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનના કપડા પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહેવાયું છે.

એપ્રિલ મહિનામાં ગરમીની વાત કરીએ તો 23માંથી 10 દિવસ 41 ડિગ્રીથી વધુ અને 2 દિવસ 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. શહેરમાં આ વર્ષે એપ્રિલમાં પણ રેકોર્ડબ્રેક ગરમી પડી છે. એપ્રિલના પહેલાં 23 દિવસમાંથી બે દિવસ તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે. 8 દિવસ 42 ડિગ્રીથી વધુ અને 10 દિવસ 41થી વધુ ગરમી નોંધાઈ છે. 8 એપ્રિલે શહેરમાં નોંધાયેલું 44 ડિગ્રી તાપમાન છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ હતું. આ ઉપરાંત એપ્રિલનું સરેરાશ તાપમાન પણ 41 ડિગ્રી આસપાસ રહ્યું છે. આ વર્ષે માર્ચ 27થી એપ્રિલ 23 સુધીમાં બે દિવસને બાદ કરતાં એકપણ દિવસ તાપમાન 40થી ઓછું રહ્યું નથી.

ગરમી સામે શું કાળજી રાખવી​

  • વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું
  • લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં
  • ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો
  • નાના બાળકો- વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું

અતિશય ગરમીનાં લીધે લુ (હીટ સ્ટ્રોક) લાગવાના લક્ષણો

  • ગરમીની અળાઇઓ
  • ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
  • માથાનો દુ:ખાવો, ચક્કર આવવા
  • ચામડી લાલ – સૂકી અને ગરમ થઇ જવી
  • સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી
  • ઉબકા અને ઉલ્ટી થવી

Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *