રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ પાર્ટીઓએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરી કક્ષાએ સંગઠનના માળખામાં ફેરફાર કરવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે નવસારી શહેર કોંગ્રેસના સંગઠનમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં પ્રમુખ અને કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. શહેર પ્રમુખ તરીકે જગમાલ દેસાઈ અને કાર્યકારી પ્રમુખ તરીકે ધર્મેશ માળીની વરણી કરવામાં આવી છે.

કોંગ્રેસી કાર્યકરોએ આ નિમણૂકને લઈને બંને સભ્યો ઉપર શુભેચ્છાઓનો વરસાદ કર્યો છે. મૂળ ઉત્તર ગુજરાતના જગમલ હમીરાભાઇ દેસાઈ વ્યવસાયે બિલ્ડર અને ડાયમંડ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના ભાઈ ડીસાના માજી ધારાસભ્ય રહ્યા છે. ભૂતકાળમાં જગમલ દેસાઈ વિજલપોર શહેર પ્રમુખની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે.
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે કોંગ્રેસ સંગઠનના માળખામાં બદલાવ કર્યો છે ત્યારે શહેરમાં આવતી નવસારી અને જલાલપોર વિધાનસભામાં પણ જીત મેળવવાના ઉદ્દેશથી કાર્યકરોમાં જુસ્સો વધારવા માટે આ ફેરફાર જોવા મળ્યો છે. નવા વરાયેલા પ્રમુખ જગમાલ દેસાઈ સાથે વાતચિત થયા મુજબ તેઓ શહેરના નિષ્ક્રિય કેટલાક કાર્યકરોને પાર્ટીમાં જોડીને ફરિવાર પાર્ટી માટે દોડતા કરશે અને પાર્ટીમાં જે પણ કંઈક ગ્રુપીઝમ હશે તો તેને તોડીને કોંગ્રેસ પક્ષ માટે તમામ કાર્યકરો કામ કરે તે માટેના પ્રયત્નો હાથ ધરશે.