સનરાઈઝર્સ હૈદરાબાદના 22 વર્ષીય ફાસ્ટ બોલર ઉમરાન મલિક ગુજરાત ટાઈટન્સ સામે પ્રચંડ ફોર્મમાં જોવા મળ્યા હતા. SRHના અન્ય બોલર ગુજરાત સામે એક-એક વિકેટ માટે તરસી રહ્યા હતા તે સમયે મલિકે વિપક્ષી ટીમ સામે કહેર વર્તાવીને બોલિંગ દરમિયાન પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 25 રન ખર્ચીને 5 સફળતા મેળવી હતી. મલિકે GTના જે બેટ્સમેનને પોતાના નિશાન બનાવ્યા તેમાં રિદ્ધિમાન સાહા (68), શુભમન ગિલ (21), કેપ્ટન હાર્દિક પંડ્યા (10), ડેવિડ મિલર (17) અને અભિનવ મનોહર (0)ની વિકેટ સામેલ રહી.

મલિકની આ જોરદાર બોલિંગની ચારે તરફથી પ્રશંસા થઈ રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા શશિ થરૂર બાદ હવે પી ચિદંબરમે (P. Chidambaram) પણ મલિકના ગુણગાન ગાયા છે. ચિદંબરમના કહેવા પ્રમાણે મલિક એ તોફાન છે જે પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને તબાહ કરી દે છે. તેમની ગતિ અને આક્રમકતા મંત્રમુગ્ધ કરનારી છે. આજના મુકાબલામાં તેમનું પ્રદર્શન જોયા બાદ કોઈ શંકા નથી કે, તેઓ આ સીઝનની સૌથી મોટી શોધ છે. BCCIએ તેમના માટે એક ખાસ કોચની નિયુક્તિ કરવી જોઈએ અને ભારતીય ટીમમાં સ્થાન આપવું જોઈએ.

કોંગ્રેસી નેતા શશિ થરૂર પણ આ યુવાન ફાસ્ટ બોલરથી ખૂબ જ પ્રભાવિત જણાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણને આ ખેલાડીની ભારતીય જર્સીમાં જરૂર છે. શું શાનદાર ટેલેન્ટ છે. તે ક્યાંય ગુમ થઈ જાય તે પહેલા આપણે મદદ કરવી પડશે. તેમને ઈંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ સીરિઝ માટે સાથે લઈ જાઓ. તે અને બુમરાહ એક સાથે મળીને અંગ્રેજોને ધરાશાયી કરી દેશે.