
નારોલમાં બાઇક અથડાવવા બાબતે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં વૃદ્ધ પિતાનું મોત થયું છે. દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રામોલ અને નારોલ બે જગ્યાએ હત્યાના બનાવ બનતા પોલીસ અધિકારી દ્વારા ખાસ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ત્રણેય આરોપીઓ પિતા-પુત્ર પર તૂટી પડ્યા
પોલીસ પકડેલા આરોપી પ્રજ્ઞેશ પંડ્યા, સચિન શર્મા અને સંદીપે પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 64 વર્ષના લચ્છીરામનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમનો દીકરો વિવેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના કંઈક એવી છે કે, મૃતક લચ્છીરામ અને તેનો દીકરો વિવેક સરદાર પટેલ એસ્ટેટથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન આરોપીની બાઈક અથડાતા વિવેકે આરોપી સાથે તકરાર કરી હતી. જેની અદાવત રાખીને ત્રણેય આરોપીએ છરીના ઘા ઝીંકીને હુમલો કર્યો હતો. જેમાં લચ્છીરામનું મોત નિપજ્યું હતું. જ્યારે વિવેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

પિતા-પુત્ર બે દિવસ બાદ વતન જવાના હતા
મૃતક લચ્છીરામ સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે. બે દિવસ પછી પિતા-પુત્ર પોતાના વતન ઉત્તરપ્રદેશ જવાના હતા. જેથી પિતા-પુત્ર અંગત કામથી ઘરેથી નીકળ્યા હતા. ત્યારે સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને એક વૃદ્ધને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. મહત્વનું છે કે આરોપી પ્રજ્ઞેશ, સચિન અને સંદીપ બાઇક ઉપર જઇ રહ્યા હતા. ત્યારે વિવેક સાથે બાઇક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ પિતા-પુત્ર ઉપર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. નારોલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. નારોલ પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરીને અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.