પશ્ચિમ બંગાળના હંસખલી રેપ કેસ મામલે રાજકારણ ગરમાયેલું છે. ભાજપની 5 સદસ્યો ધરાવતી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમે આ મામલે પોતાનો રિપોર્ટ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને સોંપી દીધો છે અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી છે. ફેક્ટ ફાઈન્ડિંગ ટીમે પોતાના રિપોર્ટમાં રાજ્યમાં કલમ 355, 356 લાગુ કરવા માટે ભલામણ કરી છે. ઉપરાંત ધરપકડ કરવામાં આવી છે તે લોકોને અન્ય કોઈ રાજ્યની જેલમાં રાખવાની વાત પર પણ ભાર આપ્યો છે. ત્યારે આ તરફ તૃણમૂલ કોંગ્રેસના (TMC) નેતૃત્વએ શુક્રવારે દિલ્હીના જહાંગીરપુરી ક્ષેત્રમાં એક ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ મોકલવાનો નિર્ણય લીધો છે. TMC દ્વારા મોકલવામાં આવનારી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમમાં તમામ મહિલા સદસ્યો હશે.

પાર્ટી સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 6 સાંસદોની ટીમ પાર્ટી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનો રિપોર્ટ સોંપશે. TMCના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, ‘ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ શુક્રવારે ત્યાં જશે, લોકો સાથે વાતચીત કરશે અને ઘટના અંગેની પુછપરછ કરશે. ભાજપે આ પ્રકારની ટીમ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ અને નદિયા જિલ્લાના હંસખલી ખાતે મોકલી હતી. ત્યાં ક્રમશઃ આગજની અને કથિત રીતે સામૂહિક બળાત્કાર બાદ એક સગીરાનું મોત થયું હતું. ત્યાર બાદ TMCએ આ પ્રકારની ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ જહાંગીરપુરી મોકલવાનો નિર્ણય લીધો હતો.