
ગીર સોમનાથ જિલ્લામાં પ્રસ્તાવિત સોમનાથ-કોડીનાર નવી રેલવે લાઇનના પ્રશ્નને લઈ રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા ગીર સોમનાથ ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ત્રણ તાલુકાના ખેડૂતોએ તાજેતરમાં મળેલી બેઠક બાદ જાહેર કર્યા મુજબ આજથી જિલ્લા કલેક્ટર કચેરીની સામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ધરણા પર બેસી ગયા છે. આ ત્રિ-દિવસીય ધરણામાં ત્રણ તાલુકાના ખેડૂતો તબક્કાવાર જોડાશે. આજે ખેડૂતોએ પોતાની માંગ બાબતે કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. આ તકે ખેડૂતોએ સોમનાથ કોડીનાર વચ્ચે નવી પ્રસ્તાવિત રેલવે લાઈન ચાર ઔધોગિક એકમોના ફાયદા માટે નાંખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આ પ્રોજેકટ અંગે નિર્ણય લઇ કાયમી માટે રેકર્ડ ઉપર રદ કરવા માંગણી કરી છે.

સોમનાથ-કોડીનાર વચ્ચે નવી રેલવે લાઈન નાંખવાના પ્રસ્તાવિત પ્રોજેકટની સામે સોમનાથ, સુત્રાપાડા અને કોડીનાર પંથકના ખેડૂતો ગીર સોમનાથ ખેડુત એકતા મંચ સંસ્થાના નેજા હેઠળ લાંબા સમયથી જુદા જુદા કાર્યક્રમો યોજી વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પ્રોજેકટ કાયમી માટે બંધ કરવા રેલવે વિભાગ કોઈ નિર્ણય ન લઈ ફક્ત મૌખિક આશ્વાસન જ આપી રહ્યુ છે. જેની સામે હવે ખેડૂતોએ ઉગ્ર લડત લડવાનું તાજેતરની બેઠકમાં પ્રોજેકટ કાયમી રદ ન થાય ત્યાં સુધી લડત આપવાનું નક્કી કર્યુ છે. જે મુજબ આજથી જિલ્લા કલેક્ટર કચેરી સામે ત્રિ-દિવસીય ધરણા યોજવાનું નક્કી કરાયુ હતું.

આ મુજબ આજે સવારે મોટી સંખ્યામાં ત્રણ તાલુકાના ખેડૂતો એકઠા થઇ પ્રથમ કલેક્ટરને માંગણી અંગે લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ કચેરીના ગેઇટ સામે ઉભી કરાયેલી રાઉટીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા પર બેસી જઈ રામધુન બોલાવી હતી. આ ધરણા ત્રણ દિવસ સુધી યોજવામાં આવશે. જેમાં તબક્કાવાર ત્રણ તાલુકાના જુદા જુદા ગામોના ખેડૂતો ધરણામાં બેસી વિરોધ પ્રદર્શીત કરશે.
આ તકે ખેડૂત એકતા મંચના પ્રમુખ રમેશ બારડે જણાવ્યું કે, સરકાર માત્રને માત્ર ઔદ્યોગીક એકમોના ફાયદા માટે આ રેલ પ્રોજેક્ટ સ્થાપી રહી છે. આ નવી માલવાહક રેલ લાઈનથી સ્થાનીકોને કોઈ ફાયદો થશે નહીં ઉલ્ટાની ખેડૂતોની અતિ કિંમતી અને મહામૂલી ફળદ્રુપ ખેતીની જમીનો છીનવાઈ જશે. કારણ કે, પ્રસ્તાવિત નવી રેલ લાઇનના પ્રોજેકટને લઇ વેરાવળ-સોમનાથ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના 1300 થી વધુ ખેડૂતોની જમીન કપાતમાં જશે. જે પૈકીના 300 થી વધુ ખેડૂતો જમીન વિહોણા થઈ જવાથી ખાતેદાર તરીકે મટી જશે. જેને ઘ્યાને લઇ સરકારે આ પ્રસ્તાવિત રેલ પ્રોજેકટને રેકર્ડ ઉપર રદ કરવો જોઈએ. જે માટે ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર દ્વારા પરીપત્ર બહાર પાડી રેલ પ્રોજેકટ રદ કરી રહી નથી અને માત્ર મૌખીક આશ્વાસન જ આપી રહી છે. ત્યારે જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં “જાન દેશુ પણ જમીન નહીં દઇએ” ના સુત્ર સાથે લડત આગળ ધપાવીશુ.