આન્દ્રે રૂબલેવે સર્બિયા ઓપનની ફાઇનલમાં વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને હરાવી સિઝનનું પોતાનું ત્રીજું ટાઇટલ જીતી લીધું છે. રશિયાનો રુબલેવ પહેલીવાર સર્બિયા ઓપનમાં રમી રહ્યો હતો અને તેણે સ્પર્ધાની શરૂઆત જીત સાથે કરી હતી. તેવામાં આ ફાઈનલ મેચમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો.

રુબલેવે જોકોવિચને 6-2, 6-7, 6-0થી હરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે જોકોવિચ તેના હોમમાં જીતનો પ્રબળ દાવેદાર હતો. પહેલો સેટ 6-2થી સરળતાથી જીત્યા પછી રૂબલેવ બીજા સેટમાં પાછળ ફેંકાઈ ગયો હતો, પરંતુ 24 વર્ષીય ખેલાડીએ પાંચ પોઈન્ટ બચાવીને આ મેચને ટાઈ-બ્રેક સુધી લાવી દીધી હતી. જોકે, જોકોવિચ આ સેટ જીતવામાં સફળ રહ્યો હતો. ત્યારપછી, રુબલેવે ત્રીજા સેટમાં શાનદાર રમત બતાવી અને સર્બિયન દિગ્ગજ જોકોવિચને એક-એક પોઈન્ટ લેવા માટે તડપાવ્યો હતો. આ દરમિયાન રુબલેવે ત્રીજો સેટ 6-0થી પોતાને નામ કરીને મેચની સાથે આ ટાઇટલ જીતી લીધું હતું. તમને જણાવી દઈએ કે આ મેચ 2 કલાક અને 29 મિનિટ સુધી ચાલી હતી.
આ ટૂર્નામેન્ટ દરમિયાન રુબલેવે જોકોવિચને હરાવ્યા પછી કહ્યું કે તમારી સામે રમવું અને બીજી વખત ટેનિસ કોર્ટમાં જવું એ અદ્ભુત અનુભવ સમાન રહ્યું છે. મને આશા છે કે આપણી વચ્ચે હજુ ઘણી મેચો રમાશે. આ એક ઉત્તમ શહેર છે અને એક સપ્તાહ સુધી તમામ ખેલાડીઓને મને સમર્થન આપવા બદલ હું તેમનો આભાર માનું છું. વળી ફેન્સને કોવિડ મહામારી પછી ફરીથી ટેનિસ કોર્ટમાં જોવા મારા માટે ઘણો આનંદનો અનુભવ સમાન છે.