સાઉથની ફિલ્મોની સૌથી તેજસ્વી અભિનેત્રીઓમાંની એક સમંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં વરુણ ધવન સાથે બોલિવૂડમાં જોવા મળશે. ખૂબ જ સુંદર, ગ્લેમરસ અને સ્ટાઇલિશ સમંથા પ્રભુ આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. સમંથાની ઘણી ફિલ્મોએ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તેમની ફિલ્મો ‘મર્સલ’ અને ‘રંગસ્થલમ’ લોકોને ખાસ પસંદ આવી હતી. સમંથા તેના બોલ્ડ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ વાસ્તવમાં અભિનેત્રીનું સપનું ક્યારેય અભિનેત્રી બનવાનું નહોતું.

સમંથાએ પૈસાની તંગીના કારણે 2010 માં ફિલ્મોમાં પગ મૂક્યો હતો. સમંથાએ ફિલ્મોમાં જોડાતા પહેલા મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે પાર્ટ ટાઈમ જોબ પણ કરતી હતી. આ દરમિયાન તેને પહેલી ફિલ્મ ‘યે માયા ચેસવ’ની ઓફર મળી હતી. તેની ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. તેને બેસ્ટ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. ધીમે ધીમે તે સાઉથ ઈન્ડસ્ટ્રી પર રાજ કરવા લાગી.

સમંથા પ્રભુ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તે રેવતી પછી બીજી એવી અભિનેત્રી છે જેણે 2013માં તમિલ અને તેલુગુ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે, જે એક રેકોર્ડ છે. સમંથા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. તે જલ્દી જ વરુણ ધવન સાથે બોલિવૂડ ફિલ્મ સિટાડેલમાં જોવા મળશે. ચાહકો તેમના આ હિન્દી પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.