રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને અત્યંત હલ્કી કક્ષાનો કહી શકાય તેવા ખાદ્યપદાર્થ ધાબડનારા લોકોનો તૂટો નથી ત્યારે આવા લોકોને ભેળસેળ કરતાં રોકવા માટે મહાપાલિકાએ પણ ઝુંબેશ શરૂ કરી છે. દરમિયાન આજે વન વીક વન રોડ અંતર્ગત મહાપાલિકા દ્વારા નંદી પાર્ક રોડથી પુષ્કરધામ મેઈન રોડ પરના વિસ્તારોમાં આવેલા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાપાલિકાને વારંવાર મળી રહેલી ફરિયાદના આધશરે કાલાવડ રોડ ઉપર આવેલા શ્રીનાથજી ફાસ્ટફૂડ (ચટકાઝ)માં તપાસ કરવામાં આવતાં વાસી બ્રેડ, ચણાના લોટનું વાસી ખીરુ, દાબેલીનો મસાલો સહિતના અખાદ્ય પદાર્થો મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પુષ્કરધામ મેઈન રોડ પરના વિસ્તારમાં આવેલા શ્રીરામ સીઝન સ્ટોરમાંથી 3 કિલો એક્સપાયર થઈ ગયેલું ખાદ્યતેલ મળી આવતાં તેનો નાશ કરીને ધંધાર્થીને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે આ જ વિસ્તારમાં આવેલી જલારામ સુપર માર્કેટ, શક્તિ પાન, ગાયત્રી ફ્લોર મીલ, અક્ષર કેમિકલ સહિતનાને લાયસન્સ અંગેની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ફૂડ વિભાગ દ્વારા શહેરના ભગવતીપરા મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી જ્યાંથી 8 કિલો એક્સપાયર થઈ ગયેલા ખાદ્યપદાર્થોનો જથ્થો મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. ભગવતીપરા મેઈન રોડ પર સદગુરુ પ્રોવિઝન સ્ટોરમાં ચેકિંગ કરવામાં આવતાં ત્યાં એક્સપાયર થઈ ગયેલી ચોકલેટ, અથાણા, ચોખાં, મીઠા મમરા સહિતનો 8 કિલો અખાદ્ય પદાર્થ મળી આવતાં તેનો નાશ કરી ધંધાર્થીને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત વિસ્તારમાં જયશંકર રસ સેન્ટર, યદુનંદન પ્રોવિઝન સ્ટોર, વિજય પ્રોવિઝન સ્ટોરને લાયસન્સ અંગેની નોટિસ આપવામાં આવી હતી. મહાપાલિકાએ 80 ફૂટ રોડ પર સોરઠીયાવાડી ચોક પાસે આવેલા ભવનાથ એન્ટરપ્રાઈઝમાંથી શીતલ આઈસ્ક્રીમ કેસર કાજુ આઈસ્ક્રીમ, કાલાવડ રોડ પર પ્રેમ મંદિર સામે ગાયત્રી મદ્રાસ કાફેમાંથી સાંભાર અને પેડક રોડ ઉપર ટ્રાફિકજામ આઈસ્ક્રીમમાંથી જીલ આઈસ્ક્રીમના નમૂના લઈને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. મહાપાલિકા દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે વેસ્ટ ઝોન વિસ્તારમાં ધોળકીયા સ્કૂલ મેઈન રોડ પરના પાર્કિંગ તેમજ માર્જિનમાં ખડકાઈ ગયેલા દબાણો ઉપર બૂલડોઝર ફેરવીને જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. દબાણકર્તાઓ દ્વારા માર્જિન-પાર્કિંગની જગ્યામાં છાપરા બનાવી નાખવામાં આવ્યા હોય તેને તોડી પાડવામાં આવ્યા હતા તો અમુક સ્થળે પાર્કિંગ માટે જગ્યા જ ન રહે તે પ્રકારે બાંધકામ કરવામાં આવ્યું હોય તેને તોડી પાડીને કુલ 621 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.