વેરાવળના આદ્રી ગામેથી આજે ગુરૂવારે સવારે દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે. કેદ થયેલા દીપડાની રંજાડથી ગ્રામજનોમાં ભય પ્રસર્યો હતો, જેને લઈ વન વિભાગે તેને કેદ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં કેદ થયેલા દીપડાને નજીકના એનીમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો.

વેરાવળના સીમાડાના દરીયા કાંઠાના ગામોમાં સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓનો વસવાટ હોવાથી છાશવારે તેઓ આંટાફેરા કરતા જોવા મળે છે. મોટાભાગે આ વન્યપ્રાણીઓ માનવ વસાહતથી દુર જ જોવા મળે પરંતુ ક્યારેક ગામ અને વાડી વિસ્તાર તરફ આંટાફેરા કરવા લાગે તો ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરતી હતી. આવી જ રીતે તાલુકાના આદ્રી ગામ આસપાસ થોડા દિવસોથી દીપડો સતત આંટાફેરા કરી રહ્યો હોવા અંગે ગ્રામજનોએ વન વિભાગને ફરીયાદ કરી હતી. જેને લઈ આરએફઓ એચ.ડી. ગલચર, ફોરેસ્ટર બી.એ.શીલુ, કે.કે.જોષીએ ટ્રેકર સાથે આદ્રીની મુલાકાત લઈ ગામના સિમ વિસ્તારમાં આવેલી બંધ સિમેન્ટ ફેક્ટરી ખાતે દીપડાને કેદ કરવા પશુના મારણ સાથેનું પાંજરૂ ગઈકાલે મુકવામાં આવ્યું હતું.
દરમિયાન આજે ગુરૂવારે સવારે મારણની લાલચમાં દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. કેદ થયેલો દીપડો માદા અને અંદાજે 1 થી 2 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. કેદ થયેલા દીપડાને નજીકના અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે. દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે.