દેશના કેટલાય રાજ્યોમાં કોલસાની અછત સર્જાતા આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાયો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં ત્રણથી લઈને આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતના કેટલાય મોટા રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટયું છે. વીજળીનું ઉત્પાદન ઘટતા આઠ-આઠ કલાકનો પાવરકટ લાગુ થયો છે. ઉનાળાની શરૃઆત સાથે જ ભારતના કેટલાય રાજ્યોમાં વીજળીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે.

ખાસ તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામડાંઓમાં ૧૦-૧૦ કલાક સુધી વીજળીનો કાપ મૂકાય છે. માર્ચ મહિનામાં યોગ્ય રીતે વીજળી મળતી હતી, પરંતુ એપ્રિલમાં ભર ઉનાળે અચાનક વીજળીનો કાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજ બિલ સમયસર ન ચૂકવનારા મોટા ૩.૬૪ લાખ ગ્રાહકોના વીજ-જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૮૨ કરોડ રૃપિયા વસૂલાયા હતા. વીજળી ચોરીના કેસ પણ વધ્યા હતા. વીજ ચોરીના ૨૬૩૯૬ મામલા નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળીની ગંભીર અછત છેલ્લાં એક સપ્તાહથી સર્જાઈ ગઈ છે.તે ઉપરાંત ઉત્તરાખંડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી ૧૦ કલાક વીજળી ગૂલ રહે છે. પંજાબ-હરિયાણામાં વીજળીની ખપત ૩૦ ટકા સુધી વધી હતી, તેના પરિણામે એપ્રિલ માસમાં અછત સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે મે-માસમાં વીજ કાપની સ્થિતિ સર્જાતી હોય છે તેના બદલે આ રાજ્યોમાં એપ્રિલમાં જ ત્રણથી આઠ કલાકનો વીજકાપ લાગુ કરાયો છે.
હરિયાણામાં વીજળીનો કાપ મૂકાતા ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટી ગયું છે. પંજાબ, હરિયાણા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા જેવા રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ મૂકી દેવામાં આવ્યો છે. ભારતમાં કોલસા અને ક્રૂડ ઉપર વીજળીની સપ્લાયનો આધાર છે. આ વર્ષે કોલસાની ભારે અછત સર્જાતા આ સ્થિતિ આવી પડી છે. માર્ચ મહિનામાં ખૂબ તાપ પડયો હતો, તેના કારણે માર્ચ માસમાં જ ધારણાં કરતાં વધુ વીજળીનો જથ્થો વપરાયો હતો. માર્ચમાં વધુ વીજળીની જરૃર પડતાં એપ્રિલમાં અછત સર્જાઈ છે. મોટાભાગના થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ ગઈ છે.