ટેનિસની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપમાં રશિયા અને બેલારૃસના ખેલાડીઓના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયાએ કરેલા હૂમલાને કારણે આ નિર્ણય લેવાયો છે. બેલારૃસે રશિયાનો સાથ આપતાં તેના ખેલાડીઓને પણ ગ્રાસ કોર્ટ પર રમાતી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપમાં પ્રવેશ નહીં મળે.

આ નિર્ણયને કારણે મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર ટુ મેડ્વેડેવ અને આઠમા ક્રમાંકિત રુબ્લેવની સાથે ખાચાનોવ સહિતના ખેલાડીઓ વિમ્બલ્ડનમાં રમતાં જોવા નહીં મળે. જ્યારે મહિલા ટેનિસમાં ચોથો ક્રમાંક ધરાવતી સાબાલેન્કા, પાવલ્યુચેન્કોવા તેમજ એઝારેન્કા સહિતની ખેલાડીઓને આ વર્ષે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ ગુમાવવી પડશે. યુક્રેન પર રશિયાના હુમલા અને તેને બેલારુસે આપેલા સમર્થનને પગલે વિશ્વભરમાં તેમની ટીકા થઈ રહી છે. રમત જગતે પણ રશિયા અને બેલારુસની સામે પગલાં ભર્યા છે. વિમ્બલ્ડનનું આયોજન કરતી ઓલ ઈંગ્લેન્ડ કલબના આ નિર્ણયને પગલે આશરે ૪૦ જેટલા ટોચના ટેનિસ સ્ટાર્સ આ વર્ષે વિમ્બલ્ડનમાં જોવા નહીં મળે.
રિપોર્ટ જણાવે છે કે, આવતા સપ્તાહે ઓલ ઈંગ્લેન્ડ કલબની વિમ્બલ્ડન અંગેની જાહેરાત કરે તે પહેલા આ નિર્ણય લેવાયો હતો. જે અંગે એટીપી અને ડબલ્યુટીએને જાણ કરી દેવામાં આવી છે. નોંધપાત્ર છે કે, આ સિઝનની વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ તારીખ ૨૭મી જુનથી શરૃ થશે. રશિયા અને બેલારુસે આ પ્રકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. રશિયાએ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે, રાજકીય કારણોને આગળ ધરીને ખેલાડીઓની સામે પગલાં લેવા યોગ્ય નથી.