વલસાડ શહેરના શ્રીજી પાર્ટી પ્લોટમાં એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝર દ્વારા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી દ્વારા બોડી બિલ્ડિંગ કોમ્પિટીશન અને ફેશન શો સાથે ફાલ્ગુની પાઠકના લાઈવ ગરબા યોજાવાના હતા. જોકે, કાર્યક્રમ શરૂ થવાના નિર્ધારિત સમય બાદ પણ ફાલ્ગુની પાઠક સ્ટેજ પર નહિ આવતા ઉપસ્થિત લોકો રોષે ભરાયા હતા. જે બાદ આયોજનના સ્થળ પર ધમાલ મચી હતી.

આયોજકો અને પૈસા ખર્ચી પાસ લઈ કાર્યક્રમમાં આવેલા લોકોએ હોબાળો મચાવતા માહોલ ગરમાયો હતો. આયોજકો અને લોકો વચ્ચે ચાલી રહેલી બબાલ વખતે ફાલ્ગુની પાઠક આયોજનના સ્થળ પર પણ પહોંચ્યા હતા. પરંતુ આયોજકો અને લોકો વચ્ચે ચાલી રહેલી બબાલથી મામલો ગરમાતાં ફાલ્ગુની પાઠક ફરી વખત પોતાની કારમાં બેસી અને નીકળી ગયા હતા. આથી કાર્યક્રમ રદ થયા માહોલ ગરમાયો હતો. આથી ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક પાર્ટી પ્લોટ પર પહોંચી હતી. અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યો હતો.
બનાવની વિગત મુજબ, વલસાડના ગ્લોબલ ઇવેન્ટ મેનેજમેન્ટ નામના ઓર્ગેનાઈઝર દ્વારા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના લાઈવ ગરબા યોજાવાના હતા. શ્રીજી પાર્ટી પ્લોટમાં 8 વાગ્યાથી ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ શરુ થવાનો હતો. જોકે, 9:00 વાગ્યા બાદ પણ કાર્યક્રમ શરૂ નહિ થતા કે ફાલ્ગુની પાઠક કાર્યક્રમમાં નહીં આવતા લોકો રોષે ભરાયા હતા. લોકોના આક્ષેપ મુજબ આયોજકોએ ફાલ્ગુની પાઠકના નામે પૈસા લઈ અને પાસ આપ્યા હતા.