વડોદરાની મીરા સોલંકીની હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. ઓલ્ડ પાદરા રોડ પર રહેતા સંદીપ મકવાણા સાથે મીરા સોલંકી તિલકવાડા તરફ ગઇ હતી. જેથી સંદીપ શંકાના દાયરામાં આવ્યો છે. તિલકવાડા પોલીસે સંદીપના માતા- પિતા સહિત પરિવારના 4 સભ્યોની મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. મૃતક યુવતીના પિતાએ આપેલી અરજીમાં તે સંદીપ સાથે ગઇ હોવાનો ઉલ્લેખ કર્યો છે.
યુવતી બે દિવસ પહેલા ઘરેથી નીકળી હતી
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે બળીયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં માતા-પિતા સાથે રહેતી મીરા નિલેશભાઈ સોલંકી બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન મોડી રાત સુધી પરત ન ફરતા પિતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મીરા ગુમ થઈ ગયાની અરજી આપી હતી. બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી.
વડોદરાની યુવતીનો તિલકવાડામાં મૃતદેહ મળ્યો હતો
તિલકવાડામાં યુવતીનો મૃતદેહ મળ્યો
બીજી બાજુ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મીરાની લાશના ફોટા પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીને જોવા મળતા તેઓ તિલકવાડા ખાતે દોડી ગયા હતા અને લાશની ઓળખ કરી હતી. લાશની ઓળખ થયા બાદ તેના પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સુવિધા યોગ્ય ન હોવાના કારણે અને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી મીરાનો મૃતદેહ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે, તિલકવાડા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ગળું દબાવી અને ડામ આપીને હત્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં મીરાની હત્યા ગળું દબાવીને તેમજ ડામ આપીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે ચોક્કસ કારણ બહાર આવશે. ખેડૂત દીકરી મીરાની હત્યાના બનાવે માંજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી મુકી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તૃષાની વડોદરા નજીક ક્રૂર હત્યા કરી હતી. આ બનાવ હજુ લોકોના માનસ ઉપરથી દૂર થયો નથી. ત્યાં વધુ એક યુવતી પ્રેમ પ્રકરણનો ભોગ બની છે.

પિતાએ આપેલી અરજીમાં યુવતી સંદીપ સાથે ગઇ હોવાનો ઉલ્લેખ છે
મીરાનો મોબાઇલ ગુમ
તિલકવાડા પોલીસ દ્વારા વડોદરાની મીરા સોલંકીની હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી દીધી છે. મીરાનો મોબાઇલ ફોન મળ્યો ન હોવાથી પોલીસે ગુમ થયેલા ફોનની પણ તપાસ શરૂ કરી છે. આ સાથે હત્યામાં વપરાયેલુ હથિયાર પણ હજી પોલીસને મળ્યું નથી. વડોદરા માંજલપુર પોલીસ દ્વારા પણ મીરા સોલંકી હત્યા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.
મીરા પરિવારની એકની એક દીકરી હતી
આ સનસનીખેજ બનાવ અંગે માંજલપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી હતી. બે દિવસ પહેલા તે ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની અરજી પણ આપવામાં આવી હતી.

મીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો
પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા
બીજી બાજુ મીરાએ તેની પિતરાઈ બેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. મીરા સોલંકીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે અને જુના પાદરા રોડ ઉપર રહેતા સંદીપ મકવાણા નામના યુવાન સાથે મીરા ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
