વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ ગેરકાયદે દબાણો હટાવવા અંગે કરેલી રજૂઆતના પગલે આજથી ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમ જૂની આરાધના ટોકીઝથી લઈને બહુચરાજી સ્મશાન અને ત્યાંથી નાગરવાડા બ્રિજ સુધીના દબાણ હટાવવાની શરૂઆત કરતાં સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ચકમક ઝરી હતી.

સભામાં ગેરકાયદે દબાણો અંગે રજૂઆત થઇ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર સભામાં ગેરકાયદે લારી ગલ્લા અને વિવિધ વિસ્તારોમાં રસ્તાની જમીનો ઉપર દબાણ કરી લેતા વેપારીઓ સામે ભાજપ પક્ષના નેતા, દંડક અને તમામ કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી. એટલું જ નહીં કોર્પોરેટર મનીષ પગારે ખાસવાડી સ્મશાનની આસપાસમાં ગેરકાયદેસર ગેરેજવાળાઓ તેમજ અન્ય દબાણો થઈ ગયા છે. જેને કારણે મરાઠી સમાજને પિંડ ક્રિયા કરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.

આ બાબતને ધ્યાનમાં રાખી આજે રજાના દિવસે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ પોલીસની મદદ લઈને જૂની આરાધના ટોકીઝથી બહુચરાજી સ્મશાન તેમજ નાગરવાડા બ્રિજ સુધીના ગેરકાયદે દબાણો હટાવવાની શરૂઆત કરી હતી. વેપારીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ચકમક ઝરી આ કામગીરી શરૂ થતાં કેટલાક વેપારીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ચકમક ઝરી હતી.
પોલીસની દરમિયાનગીરીથી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેમાં દબાણ શાખાની ટીમે 5 વાહનો, 3 બાઇક, સામાન ભરેલો એક ટેમ્પો જપ્ત કર્યો હતો. તેમજ ત્રણ ટ્રક ભરી રસ્તા પર પડેલા ભંગાર અને અન્ય સામાનનો જથ્થો જપ્ત કર્યો હતો. દબાણ શાખાની ટીમ દ્વારા ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સ્થાયી સમિતિ અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ તથા સ્થાનિક કોર્પોરેટરો પણ સ્થળ પર પહોંચ્યા હતા.