ચંદીગઢ-ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં મુસાફરી કરનાર શખ્સને પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.34040નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક દ્વારા રેલ્વે ટ્રેનોમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થવાની શકયતાઓ અનુસંધાને ટ્રેનોમાં તેમજ પ્લેટફોર્મ ઉપર વધુમાં વધુ પેટ્રોલિંગ રાખીને આવી પ્રવૃતિ અટકાવવા સારૂ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જે અનુસંધાને પીઆઇ એલ.સી.બી.ની સૂચના અને માર્ગદર્શન મુજબ ગઈકાલે પોલીસ કર્મીઓ વોચ પેટ્રોલિંગમાં હતા.
તે સમયે એક શખ્સ શંકાસ્પદ ટ્રોલી બેગ સાથે નજરે ચડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા શરદકુમાર વસંતરાવ માલેકર(મૂળ રહે. ખેડા / હાલ રહે. આણંદ) હોવાનું બહાર આવ્યું હતું. ટ્રોલી બેગની તલાસી દરમિયાન તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 27840 ની કિંમતની 96 બોટલો મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુના નોંધાયા છે.