પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા દારૂના વ્યવસાય તરફ વળેલી મહિલાઓના પુનઃ સ્થાપન માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં શી ટીમ દ્વારા દિવ્યાંગ મહિલા બુટલેગરને શાકભાજીની લારી શરૂ કરાવી પગભર કરવામાં આવી હતી. પરંતુ, સંકલનના અભાવના કારણે કોર્પોરેશન દ્વારા લારી ઉઠાવી લેવામાં આવતા મહિલા બુટલેગર ભાંગી પડી હતી. જોકે મહિલા બુટલેગરનું મનોબળ તૂટી જાય તે પહેલાં મહિલા સેલના ACPએ મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન સાધી મહિલા બુટલેગરને પુનઃ વ્યવસાય શરૂ કરાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય વ્યક્તિના માનસ ઉપર પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની આડમાં સામાન્ય વ્યક્તિને પણ હેરાન કરે છે અને અસામાજિક તત્વોને છાવરતી હોય છે. પરંતુ, વડોદરા શહેર પોલીસ તંત્ર લોકોના માનસ ઉપરથી પોલીસ પ્રત્યેની છાપ દૂર કરવા પ્રયાસો કરી છે. જેમાં વડોદરા શહેરમાં વર્ષોથી દારૂનો વ્યવસાય કરીને બે દીકરીઓ સાથે ગુજરાન ચલાવતી દિવ્યાંગ મહિલા બુટલેગર શોભાબેનને દારનો વ્યવસાય બંધ કરાવી પગભર કરવામાં આવી છે.
વડોદરા મહિલા સેલના મદદનીશ પોલીસ કમિશનર રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરની સૂચના બાદ મહિલા બુટલેગરોને ઓળખી તેમને દારૂના ધંધામાંથી અન્ય ધંધા તરફ વાળવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહદઅંશે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ રહી છે, તેમાં પણ પોલીસની શી ટીમે મહત્વનો ભાગ ભજવી રહી છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ શોભાબેન વર્ષોથી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના પરિવારમાં માત્ર એ પોતે અને બે દીકરીઓની જવાબદારી હોવાથી વ્યવસાય છોડવા તૈયાર ન હતા.