ભૂતપૂર્વ ખેલાડી ક્ષાવીના માર્ગદર્શનમાં બેઠી થવાનો પ્રયાસ કરી રહેલી બાર્સેલોના ફૂટબોલ કલબને સ્પેનિશ લીગમાં સાધારણ સ્તરની મનાતી કાર્ડિઝની ટીમ સામે ઘરઆંગણે ૦-૧થી પરાજયનો સામનો કરવો પડયો હતો. બાર્સેલોનાના ખેેલાડીઓનો દેખાવ અત્યંત સાધારણ સ્તરનો રહ્યો હતો અને કોચ ક્ષાવી પણ ટીમના દેખાવથી ખૂબ જ નારાજ જોવા મળ્યો હતો. કાર્ડિઝ તરફથી એકમાત્ર ગોલ લુકાસ પેરેઝે ફટકાર્યો હતો. જ્યારે બાર્સેલોનાના એરિક ગાર્સિયા અને લ્યુક ડે જોંગ ગોલ ફટકારવાની ગોલ્ડન તકો ચૂકી ગયા હતા. આ અગાઉ બાર્સેલોના યુરોપા લીગની મેચમાં ઘરઆંગણે જ એન્ટ્રેન્ચ્ટ ફ્રેન્કફર્ટ સામે હાર્યું હતુ.

બાર્સેલોના કલબની આવતા વર્ષે ચેમ્પિયન્સ લીગમાં ક્વોલિફાય થવાની આશાને પણ ફટકો પડયો છે. રિયલ બેટિસ, સેવિલા અને એટ્લેટિકો મેડ્રિડની સાથે ચેમ્પિયન્સ લીગમાં પ્રવેશવાની રેસમાં બાર્સેલોના પાછળ ધકેલાયું છે. અગાઉ ચેમ્પિયન્સ લીગની મેચમાં ફ્રેન્કફર્ટના આશરે ૨૦ હજાર ચાહકોને નોઉ કેમ્પના આયોજકોએ તમામ એરિયામાં પ્રવેશવાની છુટ આપી હતી. જેનાથી બાર્સેલોનાના સ્થાનિક સમર્થકો નારાજ થયા હતા. જેના કારણે બાર્સેલોનાના પાંચ હજાર સમર્થકોએ કાર્ડિઝ સામેની મેચમાં હાજરી આપી નહતી.