
રાજકોટની એઈમ્સ હોસ્પિટલ વિવાદમાં આવી છે. જ્યાં સિનિયરો દ્વારા રેગિંગની ડીનને ફરિયાદ કરનાર યુવતી હોસ્ટેલમાંથી ભેદી સંજોગોમાં લાપતા થઈ હતી. જે બાદ ગઈકાલે મોડીરાત્રે કાલાવાડ રોડ પર આવેલ પ્રેમ મંદીર સામે બગીચામાંથી બેભાન હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. તબીબી અભ્યાસ કરતી યુવતી બેભાન થવાનું કારણ જાણવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
બુધવારે રાત્રે કોઈને કહ્યા વગર નીકળી ગઈ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ઠાકર લોજ પાસે PUD હોસ્ટેલના રૂમ નં.724માં રહેતી અને એઈમ્સ હોસ્પિટલમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી નેહા ફુલચંદ સેલસે (ઉ.વ.19) બે દિવસ પહેલા ભેદી સંજોગોમાં હોસ્ટેલમાંથી લાપતા થઈ હતી. હોસ્ટેલમાંથી બુધવારે રાત્રે કોઈને કહ્યા વગર નીકળી ગયેલી નેહા 24 કલાક સુધી પરત નહી ફરતા હોસ્ટેલના સત્તાધીશો દ્વારા ગુરૂવારે સાંજે પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં ગુમ થયાની જાણ પણ કરવામાં આવી હતી. દરમિયાન ગુરૂવારે રાત્રે 1 વાગ્યે પ્રેમ મંદીર સામે બગીચામાં એક યુવતી બેભાન હાલતમાં પડી હોવાની ચોકીદારે ફોનથી જાણ કરતાં પ્ર.નગર પી.આઈ એમ.એ.જનકાંત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
અસહ્ય ગરમીના કારણે નેહા બેભાન થઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં હોસ્ટેલમાંથી ગુમ થયેલી યુવતી નેહા બેભાન હાલતમાં મળી આવતાં 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પ્રાથમિક તપાસમાં 24 કલાક ભુખ્યા પેટે રઝળપાટ અને અસહ્ય ગરમીના કારણે નેહા બેભાન થઈ ગઈ હોવાનું જણાવ્યું છે. છતા સાચુ શું છે તે જાણવા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
4 માસ પહેલા સિનિયર રેગીંગ કરતા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નેહા સેલસે મુળ રાયપૂરની વતની છે અને તેના પિતા ખેતી કામ કરે છે. જ્યારે નેહા રાજકોટ એઈમ્સમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. નેહાને તેની સાથે જ રહેતા અને મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતાં યુવકો અને યુવતીઓ હેરાન કરતાં હોવાની તાજેતરમાં જ સુપરવાઈઝરને મૌખીક ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. સિનિયર સ્ટુડન્ટોએ રેગીંગ કરતાં હોવાની પણ ચાર માસ પહેલા મેડીકલ કોલેજના ડીનને લેખીત અરજી કરી હતી જો કે આ બાબતે કોઈ પગલા નહીં લેવાયા હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
નેહા તેના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી
પોલીસે વધુ તપાસ કરતા નેહાને તેની સાથે જ અભ્યાસ કરતા તબીબી યુવક સાથે પ્રેમસંબંધ હોય બન્નેએ ખાનગીમાં લગ્ન પણ કરી લીધા હોવાની ચર્ચા હોસ્પિટલ વર્તુળોમાં ચાલી રહી છે અને છેલ્લા થોડા સમયથી નેહા તેના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી. બુધવારે રાત્રે નેહાને તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતાં બોયફ્રેન્ડે હાથ ઉપાડી લેતા હોસ્ટેલમાંથી નીકળી ગઈ હતી. જ્યારે તેનો મોબાઈલ ફોન અને બેગ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. એઈમ્સ અભ્યાસ કરતી મહિલા તબીબ સંપૂર્ણ ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લેવામાં આવશે ત્યારબાદ તેની સાથે શું બન્યું તે અન્ય હકીકત જાણી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.