રાજકોટ : યુરીયા ખાતરમાં 90 કરોડના બોગસ વ્યવહારનું કૌભાંડ ઝડપાયું

Gujarat Fight

સેન્ટ્રલ GSTની ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)ની ટીમે રાજકોટમાં ત્રણ દિવસ સુધી દરોડાનો દૌર ચલાવીને યુરીયા ખાતરનાં કાળા બજારનાં કરોડોનાં બોગસ વ્યવહારો પકડી પાડ્યા છે. આ કૌભાંડમાં બે શખસની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં આશરે 6થી 7 પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવતા અંદાજિત રૂ.16 કરોડથી વધુ રકમની કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમજ 90 કરોડના બોગસ વ્યવહારનું કૌભાંડ પણ બહાર આવ્યું છે.

દિલ્હીથી મળેલા આદેશો બાદ DGGIની ટીમે રાજકોટમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી યુરીયાના વેચાણના બોગસ વ્યવહારો ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ફિઝીકલ વ્યવહારો થયા ન હતા. માત્ર કાગળ પર કરોડોનાં વ્યવહારો બહાર આવ્યા હતા. જેમાં જુદી જુદી પેઢીઓ દ્વારા આશરે 90 કરોડનાં બોગસ વ્યવહારો કરી અંદાજે 16 કરોડની કરચોરી કરવામાં આવી હતી.

યુરીયા ખાતરનો ખેડૂતો ઉપયોગ કરે તેના પર અઢી ટકા અને ઉદ્યોગોના વપરાશ પર આશરે 18 ટકા ટેક્સ લેવામાં આવતો હોય છે. જુદી જુદી પેઢીનાં હિસાબી સાહિત્ય અને ડિજીટલ ડોક્યુમેન્ટ કબ્જે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં દરોડા દરમિયાન બિન હિસાબી આશરે રૂ.2 કરોડની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાંવ્યુ હતું. યુરીયાના કરોડોના બોગસ વ્યવહારોના કૌભાંડમાં બે શખસની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *