રાજકોટમાં મનપાની આરોગ્ય શાખાએ ખાણીપીણીબજારમાં ચકાસણીની કામગીરી ચાલુ કરી છે. ત્યારે શહેરમાં વૈદવાડી, જયંત કે. જી. મેઇન રોડ પર આવેલા અભિનવ સ્ટોર્સ નામની પેઢીમાં આરોગ્ય શાખાએ દરોડો પાડતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. જ્યાં આ પેઢીના માલિક અશ્વિન પુરુષોત્તમભાઈ મજેઠિયાએ સ્વીકાર્યું હતું કે ૐ બ્રાન્ડથી વેચાતા વોશિંગ પાઉડરનો ઉપયોગ રાજકોટમાં ભજિયાં અને ગાંઠિયા બનાવવામાં થાય છે. આ બાબતે આસિ. કમિસનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ વર્તુળને જાણ કરવામાં આવી છે. સ્થળ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ એની પ્રોડક્ટ્સન નમૂના લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત તેમની અન્ય બ્રાન્ડ અભિનવ બ્રાન્ડથી જુદી જુદી આયુર્વેદિક ઔષધિઓનાં પેક્ડ પેકેટ તૈયાર કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરાય એવા લેબલ, જેવા કે, સ્પેશિયલ ઇમ્યુનિટી બૂસ્ટર, ડાયાબિટીસ માટેનું ચૂર્ણ, 50+ એનર્જી પાઉડરનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવતું હતું, જેમાં લેબલ પર રોગોમાં ઉપયોગ કરવા માટે મેડિસિનલ હેલ્થ અંગેના દાવા કરવામાં આવેલા હતા, જેમ કે પાચન માટે, શરદી ઉધરસ માટે, પારકિન્સ માટે, પ્રોસ્ટેટ અને વૃદ્ધાવસ્થામાં થતા રોગો માટે ઉપયોગી હોવા અંગે. તમામ પેકેટ પર 100% આયુર્વેદિક દર્શાવાયું હતું તેમજ આયુર્વેદિક પ્રોડક્ટ માટે જરૂરી લાઇસન્સ નંબર દર્શાવેલો નહોતો.