કુવાડવા તાબેના એક ગામમાં રહેતી 11 વર્ષની સગીરાને રસ્તામાં આંતરી બે શખ્સે અવાવરૂ સ્થળે લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું, દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીએ તેની માતાને રાવ કરતા માતાએ મારકૂટ કરી હતી, અંતે સામાજિક કાર્યકરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચાડતા પોલીસે ગુનો નોંધી બાળકીને હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે બંને આરોપીને સકંજામાં લીધા હતા.

કુવાડવા તાબેના ગામમાં રહેતી અને ધોરણ 6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી શનિવારે બપોરે શાળાએથી છૂટીને પોતાના ઘરે જતી હતી ત્યારે રસ્તામાં પીપળિયા ગામનો વિશાલ અને નાગલપરનો કિશન ત્યાં ધસી ગયા હતા અને બાળકીને મોઢે ડૂમો દઇ અવાવરૂ સ્થળે લઇ ગયા હતા, જ્યાં બંને નરાધમોએ બાળકી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું, અને બાળકીને ત્યાં જ છોડીને નાસી ગયા હતા. નરાધમોનો શિકાર બનેલી બાળકી પોતાના ઘરે ગઇ હતી અને તેની માતા પાસે આપવીતી વર્ણવી હતી, તો માતાએ પુત્રીને સાંત્વના આપવાને બદલે અલ્પેશ નામના શખ્સ સાથે મળી બાળકીને ઘરમાં દોરડાથી બાંધી પ્લાસ્ટિકના પાઇપથી ફટકારી હતી.
બાળકી બે બહેન અને એક ભાઇમાં મોટી છે, તેના પિતા હયાત નથી, બાળકી અને તેનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે, નરાધમોના કૃત્યથી ગભરાયેલી અને માતાના સિતમથી ત્રાસેલી બાળકી રાત્રે પોતાના ઘર બહાર રડતી હતી. ત્યારે તેના મકાનમાલિકની તેના પર નજર પડી હતી, અને રડવાનું પૂછતાં બાળકીએ સમગ્ર ઘટના વર્ણવતા મકાનમાલિક ચોંકી ઉઠ્યા હતા. રવિવારે સવારે મકાનમાલિક રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી મુસ્તાકભાઇ બેલીમની ઓફિસે પહોંચ્યા હતા અને બાળકીને ન્યાય અપાવવા અપીલ કરી હતી.