રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનની ખુલીને મદદ કરવાનું અને રશિયાનું કહ્યું ના માનવાનું યુરોપના કેટલાક દેશોને મોંઘુ પડી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. રશિયાએ ખૂબ જ આકરૂં વલણ અપનાવીને પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ-તેલનો સપ્લાય અટકાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પુતિને રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદનારા દેશોને કહ્યું હતું કે, તેઓ રશિયન મુદ્રા રૂબલના માધ્યમથી ચુકવણી કરે. જોકે યુરોપિયન દેશોએ પુતિનની તે વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો.
પુતિને કઠોર એક્શન લઈને સપ્લાય રોકવાનો નિર્ણય લીધો છે. પોલેન્ડ અને બલ્ગેરિયાના કહેવા પ્રમાણે રશિયાની દિગ્ગજ ઉર્જા કંપની ગજપ્રોમ (Gazprom)એ તેમને પોતે ગેસ સપ્લાય અટકાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પોલેન્ડની ગેસ કંપની PGNIGએ જણાવ્યું કે, રશિયાએ યમલ-યુરોપ પાઈપલાઈન દ્વારા થતી ગેસની ડિલિવરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે બલ્ગેરિયાના ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે રશિયા તુર્કસ્ટ્રીમ પાઈપલાઈન દ્વારા બલ્ગેરિયાને પહોંચતો ગેસનો પુરવઠો બંધ કરી રહ્યું છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદ પોલેન્ડ પહેલેથી જ ખુલીને યુક્રેનનું સમર્થન કરી રહ્યું છે. પોલેન્ડે યુક્રેનને યુદ્ધ લડવા માટે અનેક હથિયાર પણ આપ્યા છે. પોલેન્ડ સરકારે ચાલુ સપ્તાહ દરમિયાન કહ્યું હતું કે, તે યુક્રેનની સેનાને ટેન્ક મોકલી રહી છે. ઉલ્લેખનીય છે કે, યુરોપમાં ઘરોને ગરમ કરવા, વીજળીના ઉત્પાદનમાં અને ઈંધણ તરીકે વપરાશ માટે રશિયાથી આવતા પ્રાકૃતિક ગેસનો મોટા પાયે ઉપયોગ થાય છે.
અત્યાર સુધી તમામ યુરોપીય દેશો આશરે 60 ટકા ચુકવણી યુરો દ્વારા અને બાકીની ડોલરમાં કરતા આવ્યા હતા. યુક્રેન સાથેના યુદ્ધ બાદ પુતિને આ ચુકવણી સંપૂર્ણપણે રૂબલ દ્વારા કરવાની માગણી કરી હતી. આ મામલે યુરોપીય દેશના નેતાઓએ તેને પૂર્વ નિર્ધારિત શરતનું ઉલ્લંઘન ગણાવીને તેઓ રૂબલ દ્વારા પેમેન્ટ નહીં કરે તેમ કહ્યું હતું. પોલેન્ડ વાર્ષિક 9 બિલિયન ક્યુબિક મીટર જેટલા રશિયન ગેસની આયાત કરે છે. તેના દ્વારા દેશની આશરે 45 ટકા જરૂરિયાત પૂર્ણ થાય છે.