પેટ્રોલ અને ડિઝલના અસહ્ય ભાવ વધારાથી કંટાળીને અમદાવાદીઓએ સિટી બસમાં મુસાફરી કરવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ખાનગી વાહનોના વપરાશ પર અસર પડી છે અને લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં AMTSની આવકમાં 67 ટકા અને BRTSની આવકમાં 42 ટકાનો વધારો થયો છે. બીજી તરફ અમદાવાદમાં માત્ર 6 કિ.મીના અંતરમાં ફરતી મેટ્રો રેલમાં છેલ્લા 3 વર્ષમાં 6.11 લાખ લોકોએ મુસાફરી કરી છે અને મેટ્રો રેલને 58.21 લાખ રૂપિયાની આવક થઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીમાં AMTSની આવક 5 કરોડ 22 લાખ હતી.પરંતુ મુસાફરોની સંખ્યામાં 67 ટકાનો વધારો નોંધાતા માર્ચ મહિનામાં 7 કરોડ 31 લાખ આવક થઈ છે. જ્યારે BRTSમાં જાન્યુઆરીમાં 1 લાખ 8 હજાર મુસાફરો હતા. જે વધીને માર્ચ મહિનામાં 1 લાખ 58 હજારએ મુસાફરોનો આંકડો પહોંચ્યો છે. જેના કારણે BRTSની આવકમાં 42 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં નરોડાથી બોપલ સુધી બસો ચાલે છે જેના કારણે એક છેડે થી બીજે છેડે જવા માટે લોકોને સાધનમાં રૂ 60થી પણ વધુનું પેટ્રોલ વપરાય છે પરંતુ બસમાં મુસાફરી કરવાથી તેઓ 20 રૂમાં પહોંચી જાય છે.
અમદાવાદમાં BRTS બસમાં માર્ચમાં રોજ સરેરાશ 1.50 લાખ પેસેન્જર મુસાફરી કરતા હતા. પરંતુ એપ્રિલના પહેલાં અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 1.80 લાખે પહોંચી ગઈ હતી. એ જ રીતે AMTSમાં મુસાફરોની દૈનિક સંખ્યામાં 1.10 લાખનો વધારો થયો છે. AMTSના રોજના સરેરાશ 3.25 લાખ લોકો મુસાફરી કરતા હતા. જે વધીને દૈનિક સરેરાશ 4.35 લાખે પહોંચી ગઈ છે. બંને ટ્રાન્સપોર્ટ સર્વિસમાં મળીને પેસેન્જરની સંખ્યામાં સરેરાશ 30 ટકાનો વધારો થયો છે. સામાન્ય માણસ નોકરી તેમજ અન્ય કામ અર્થે BRTS કે AMTSમાં મુસાફરી કરે તો રૂ.25થી 30માં ચાલી જતું હોય છે. જેથી હવે પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળી રહ્યા છે.