બસપા સુપ્રીમો માયાવતીએ ગુરૂવારે સપા પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું કે, હવે સમાજવાદી પાર્ટી ક્યારેય સત્તામાં નથી આવવાની અને અખિલેશ યાદવ પોતે વિદેશ ભાગવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તેમનું રાષ્ટ્રપતિ બનવાનું સપનું નથી. તેઓ પીએમ અને સીએમ બનવાનું સપનું જોઈ શકે છે. તેઓ ઉત્તરપ્રદેશના રાજકારણમાં છે અને રહેશે. બસપા સુપ્રીમો માયાવતીએ લખનૌમાં એક નિવેદન આપતા જણાવ્યું કે, સમાજવાદી પાર્ટી તેમના વિશે અફવાઓ ફેલાવી રહી છે.

તેમણે રાષ્ટ્રપતિ નહીં સીએમ અને પીએમ બનવું છે. માયાવતીએ સીધું અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે, સપાના કારણે જ ભાજપ સત્તામાં આવી છે. કારણ કે, સપાના કારણે જ પૂરી ચૂંટણી ધ્રુવીકરણ પર થઈ હતી. માયાવતીએ કહ્યું કે, મુસ્લિમ દલિતોના વોટમાં ખૂબ જ તાકાત છે. આ લોકો જોડાય જાય તો મને સીએમ બનાવી શકે છે. માયાવતીએ જણાવ્યું કે, રાજ્યના મુસલમાન સમાજવાદી પાર્ટીથી ખૂબ જ નારાજ છે. આવી સ્થિતિમાં તેઓ અખિલેશ યાદવ સાથે નહીં જોડાશે.
તેમણે જણાવ્યું કે, તેમણે એક પત્ર લઈને પોતાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા અને વિધાન મંડળ દળના નેતા ઉમાશંકર સિંહને મુખ્યમંત્રી પાસે મોકલ્યા હતા જેમાં સ્મારકોના વિનાશનો મામલો ઉઠાવ્યો હતો. સપા સરકારમાં પણ અને ભાજપ સરકારમાં પણ આ સ્મારક અને પાર્ક વિનાશનો શિકાર બન્યા છે. વર્તમાન સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ પ્રતિનિધિ મંડળ સીએમની મુલાકાત કરવા માટે ગયું હતું. માયાવતીએ કહ્યું કે, રમઝાન મહીનામાં વીજ કાપ મૂકવામાં આવ્યો છે જે યોગ્ય નથી. સરકારે તેના વિશે વ્યવસ્થા કરવી જોઈએ.