રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને મારિયુપોલ શહેર કબજે કરી લીધાની જાહેરાત કરી હતી. પુતિને જાહેરાત કરી હતી કે યુક્રેનના પોર્ટ શહેર મારિયુપોલને સફળતાપૂર્વક સ્વતંત્ર કરી દેવામાં આવ્યું છે. જોકે, પુતિને અઝોવલ્ટર પ્લાન્ટમાં હુમલો ન કરવાનો આદેશ સૈન્યને આપ્યો હતો. ૨૦૦૦થી વધુ સૈનિકો આ પ્લાન્ટમાં હોવાની શક્યતા છે. એ વિસ્તારને બ્લોક કરી દેવામાં આવ્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધના ૫૭મા દિવસે રશિયાએ મારિયુપોલ શહેરનો કબજો લઈ લીધો છે. આ પોર્ટ શહેર પરનો કબજો રશિયા માટે ખૂબ જ મહત્વનો છે. કેટલાય દિવસથી આ શહેર અને તેની આસપાસ યુદ્ધ ચાલતું હતું. એક ઈન્ડસ્ટ્રિયલ વિસ્તાર અઝોવલ્ટર પ્લાન્ટને બાદ કરતા આખા શહેરમાં રશિયન સૈનિકોએ કબજો કરી લીધો છે. રશિયન સૈનિકોએ આખા શહેરનો કબજો કરી લેતાં પુતિને સૈન્યની પ્રશંસા કરી હતી.

પુતિને પ્લાન્ટમાં છુપાયેલા સૈનિકોને સમ્માનપૂર્વક બહાર આવીને સરેન્ડર થવાની અપીલ પણ કરી હતી. પુતિનના સંરક્ષણ મંત્રીએ નિવેદન જાહેર કર્યું હતું એ પ્રમાણે પુતિને મારિયુપોલને સ્વતંત્ર જાહેર કર્યું હતું અને તેને આ યુદ્ધની સૌથી મહત્વની સિદ્ધિ ગણાવી હતી. અગાઉ ફેબુ્રઆરીમાં જ ડોનેટ્સ્ક અને લુહાંસ્કનો કબજો રશિયન સૈનિકોએ લઈ લીધો હતો. હવે કોલસા અને સ્ટીલનું ઉત્પાદન કરતું ડોનબાસ રશિયાના કબજામાં આવે એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
દરમિયાન યુક્રેનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે કીવ શહેરની એક બિલ્ડિંગમાં નવ સહિત આસપાસમાંથી૧૦૨૦ મૃતદેહો મળ્યા હતા. આ સામુહિક કબરમાં મૃતદેહો સડી રહ્યા છે અને એ માટે રશિયન સૈનિકોને જવાબદાર ગણીને યુક્રેનના અધિકારીઓએ કહ્યું હતું કે આ લોકોને મારતા પહેલાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાની શક્યતા છે.