
આજની યુવાપેઢી 4G અને 5Gમા અટવાઈ છે. મેદાન કરતા સ્ક્રીન પર વધારે સમય વિતાવી રહી છે. મહેમદાવાદ વિધાનસભાના ક્ષેત્રના યુવા MLA અને કેબિનેટ મંત્રી અર્જુનસિહ ચૌહાણે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં નાઇટ ક્રિકેટ એટલે કે MPL (મહેમદાવાદ પ્રિમિયર લીગ)નુ આયોજન કર્યું છે. ક્રિકેટના માધ્યમથી યુવાનોનો શારીરિક બાંધો મજબૂત થાય તેવા આશયથી આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ક્રિકેટ મેચનો લોગો તથા વેબસાઈટનુ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.

મહેમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા આ લોન્ચિંગ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય અને ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ રાજન દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ, નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અપુર્વ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય નટવરસિંહ, વનરાજસિંહ તથા સંગઠનના અજતસિંહ ડાભી તેમજ અન્ય મહાનુભવો ખાસ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે આયોજન કરનાર વિધાનસભાના ક્ષેત્રના યુવા MLA અને કેબિનેટ મંત્રી અર્જુનસિહ ચૌહાણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રના અલગ અલગ ગામોના યુવાનો પોતાની ટીમ સાથે ઉતરશે અને પરફોર્મન્સ બતાવશે. દરેક ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવશે સાથે સાથે ફાઇનલમાં આવનાર ટીમને રોકડ રકમ તથા મેન ઓફ ધ સિરીઝને મોટરસાયકલ આપવામાં આવશે. આગામી મે માસ દરમિયાન ક્રિકેટ મેચનું ભવ્યાતિભવ્ય રીતે ઓપનિંગ કરાશે અને રમશે મહેમદાવાદ, જીતશે મહેમદાવાદના ચેયર્સથી સ્ટેડિયમ ગુંજી ઉઠશે.