રાજ્ય સરકારના મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર સામે મહિલાએ કરેલા આક્ષેપો મામલે પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. ગાંધીનગર પોલીસે હાઇકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં મહિલાની ફરિયાદને રાજકીય અદાવત રાખી, બદલો લેવા માટે ખોટા આક્ષેપ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવા આવ્યો છે.

પોલીસના રિપોર્ટ પ્રમાણે મહિલાને ભાજપે ટિકીટ ન આપતા અંગત અદાવત રાખવામાં આવી રહી છે અને મહિલાએ ખોટા આરોપ લગાવ્યા છે. આ રિપોર્ટમાં પોલીસે ફરિયાદી મહિલાના વ્યક્તિગત જીવન અંગેની કેટલીક બાબતો રજૂ કરી છે.આ બાબતે ફરિયાદી મહિલાના વકીલ તરફથી પોલીસે રજૂ કરેલ રિપોર્ટ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જે બાબતે આગામી સુનાવણીમાં આ રિપોર્ટ સામે જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે. આગામી 15 જૂને હાથ ધરાશે.
ચાંદખેડાની એક મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્ર સિહ પરમાર વિરૃધ્ધ લગ્નની લાલચ આપીને શારિરીક સંબધ બનાવ્યાનો આક્ષેપ કરતી અરજી ગાંધીનગર સેકટર-21 પોલીસ મથકમાં કરી હતી.મહિલાએ એકાદ વર્ષ પહેલા આ અરજી કરી હતી. લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવનાર મહિલાએ ઓલઆઉટ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે રાજકીય દબાણ હેઠળ ફરિયાદ દાખલ ન કરી હોવાનો મહિલાએ દાવો કર્યો હતો. જથી ફરિયાદ દાખલ કરવા મહિલા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.