ભાવનગરના નવાપરામાં બેકરીમાં વિકરાળ આગ લાગી

Gujarat Fight

ભાવનગર શહેરના નવાપરા સ્થિત રસાલા કેમ્પમાં આવેલી એક બેકરીમાં વહેલી સવારે કોઈ અકળ કારણોસર આગ ભભૂકી ઉઠતાં બેકરીમા રાખેલ સર-સામાન સાથે ત્રણ ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતાં અફડાતફડી મચી જવા પામી હતી. ભાવનગર ફાયરબ્રિગેડના જવાનોએ સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગપર કાબુ મેળવ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનમાં આગની ઝાળ લાગી જતાં ચાર ફાયરબ્રિગેડના જવાનો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આજે વહેલી સવારે 4:30 કલાકે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે, નવાપરા ડીએસપી કચેરી સામે આવેલી રસાલાકેમ્પમાં આંચલબેન ભરતભાઈ વાધવાણીની માલિકીની મધુર બેકરીમા આગ લાગી છે. જે માહિતી મળતાં જ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ઓલવવા કવાયત હાથ ધરી હતી, પરંતુ બેકરીમા મોટા પ્રમાણમાં તેલ ઘી મેંદાના લોટની બોરીઓ સહિત કરીયાણાનો સામાન મોટા પ્રમાણમાં હોય સાથે 9 કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને તૈયાર બેકરી પ્રોડક્ટ તથા લાકડાનું ફર્નિચર હોય આથી ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ આગની ગંભીરતાને ધ્યાનમાં લઈને અધિકારીઓએ વધુ 4 ફાયરફાયટરો અને બે હેવી વાહનો સ્થળપર બોલાવી આગ બુઝાવવા જહેમત હાથ ધરી હતી, પરંતુ બેકરીમા નવ જેટલા ગેસ સિલિન્ડર હોય આથી સ્થિતિ સ્ફોટક બનવાની દહેશત હોય જેને પગલે ફાયરફાઈટરોએ ગેસ સિલિન્ડર બહાર કાઢવા જીવના જોખમે બેકરીમા પ્રવેશ કર્યો હતો અને 6 સિલિન્ડર બહાર કાઢ્યાં હતાં. ત્રણ સિલિન્ડર ધડાકાભેર બ્લાસ્ટ થતાં વહેલી સવારે આસપાસનો વિસ્તાર ધડાકા અને આગને પગલે હચમચી ઉઠ્યો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *