ભારતીય મહિલા હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલ્વેરા બ્રિટ્ટોનું ૮૧ વર્ષની ઉંમરે અવસાન થયું હતુ. તેઓ ૮૧ વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ઘરઆંગણાની હોકીમાં એલ્વેરા તેમની અન્ય ત્રણ બહેનો પ્રિસિલ્લા, રિટા અને માયની સાથે ‘બ્રિટ્ટો સિસ્ટર્સ’ તરીકે જાણીતા બન્યા હતા.

‘બ્રિટ્ટો સિસ્ટર્સ’ના પ્રભુત્વને સહારે કર્ણાટકે વર્ષ ૧૯૬૦ થી ૧૯૬૭ સુધી સતત સાત વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. તેઓએ ઓસ્ટ્રેલિયા, જાપાન અને શ્રીલંકા સામેની હોકી ટેસ્ટ સિરીઝમાં પણ ભાગ લીધો હતો. પ્રિસિલ્લા સિવાયની અન્ય ત્રણ બ્રિટ્ટો સિસ્ટર્સ આંતરરાષ્ટ્રીય સ્તરે રમી હતી. એલ્વેરા બ્રિટ્ટોને ૧૯૬૫માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તેઓ એના લુમ્બ્સડેન (૧૯૬૧) બાદ અર્જુન એવોર્ડ મેળવનારા બીજા મહિલા હોકી ખેલાડી બન્યા હતા. તેઓ તેમની અન્ય બહેનોની જેમ આજીવન અપરણિત રહ્યા હતા. હોકીમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓએ મહિલા હોકીના એડમિનિસ્ટ્રેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ ભારતીય ટીમના મેનેજર તરીકેની જવાબદારી પઁણ સંભાળી હતી.