ભરૂચ તાલુકાના જંગાર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ડમ્ફર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્ફરની એક્સેલ તૂટી જતાં રોડની બાજુમાં ઉભી હતી. આ દરમિયાન ડમ્ફર પાછળ ટ્રક ધડાકા ભેર અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં ટ્રક ચાલકને ભારે ઈજાઓ પહોંચી હતી. જેને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવા સાથે લોક ટોળા પણ વિખેર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નબીપુર બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટ પણ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોવાથી હાઇવે ઉપર લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હજુ પણ લાઈટો બંધ હાલતમાં રહેશે તો વધુ અકસ્માતોનો પણ ભય સતાવી રહ્યો છે.